
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકા મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રુપ ગ્રામ પંચાયત ઉમરપાડા અંતર્ગત આવેલા વિહીરઆંબા ગામે ખાપરીના કોતર ઉપર આવેલો કોઝવે હાલમાં અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ બિલકુલ નજીક આવી રહી છે ત્યારે આ કોઝવે સંપૂર્ણપણે તૂટી જવાની અણી પર હોવાથી હજારો લોકો માટે જીવનું જોખમ ઊભું થયું છે, જેને પગલે સ્થાનિક સ્તરે તાત્કાલિક રીપેર કામગીરી હાથ ધરવાની માંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિહીરઆંબા ગામના ખાપરીના કોતર પર બનેલો આ કોઝવે સમગ્ર વિસ્તારના ગ્રામજનો માટે મુખ્ય અવરજવર માર્ગ એટલે કે ગામની જીવાદોરી સમાન છે. રોજિંદા જીવનમાં શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ, પોતાના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવા મથતા ખેડૂતો, રોજીરોટી માટે જતા શ્રમિકો તેમજ કટોકટીના સમયે હોસ્પિટલ ભેગા થતા દર્દીઓ સહિત તમામ સ્થાનિક રહેવાસીઓ આ જ માર્ગ પર નિર્ભર છે. હાલમાં કોઝવેની સ્થિતિ એટલી હદે દયનીય છે કે તેના પરથી પસાર થતી વખતે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, જેના કારણે લોકો ભારે ફફડાટ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે.સ્થાનિકોએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આગામી વરસાદી ઋતુ દરમિયાન આ કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ પસાર થતો હોય છે. માર્ગ પહેલેથી જ તૂટેલો હોવાથી પાણીના વહેણને કારણે રસ્તો સંપૂર્ણ અદ્રશ્ય અને અત્યંત જોખમી બની જાય છે, જે અકસ્માતોને સીધું આમંત્રણ આપે છે. આ જોખમી પરિસ્થિતિને લીધે સમગ્ર ગામના ખેતી ઉત્પાદન, દૂધ પરિવહન તેમજ અન્ય જીવનજરૂરી આવશ્યક સેવાઓ ખોરવાઈ જવાની અને ગામ સંપર્કવિહોણું બની જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.આ સમગ્ર ગંભીર મામલાને ધ્યાને લઈને ગ્રુપ ગ્રામ પંચાયત ઉમરપાડાના સરપંચ રમેશભાઈ ગોવિંદભાઈ ભોયે દ્વારા વહીવટી સ્તરે સત્તાવાર લડત શરૂ કરવામાં આવી છે. સરપંચે તારીખ ૨૯/૦૫/૨૦૨૬ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આહવા-ડાંગને એક વિસ્તૃત લેખિત રજૂઆત સબમિટ કરી છે. આ પત્રમાં તેમણે સરકારી તંત્રને તાકીદ કરી છે કે, સંબંધિત જવાબદાર વિભાગના અધિકારીઓ દ્વારા આ સ્થળનું તાત્કાલિક પ્રત્યક્ષ નિરીક્ષણ (સ્થળ તપાસ) કરવામાં આવે અને ચોમાસું વિધિવત બેસે તે પૂર્વે જ ખાપરીના કોતર ઉપર આવેલા આ જોખમી કોઝવેનું મરામત તથા રીપેર કામ વહેલી તકે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે.અંતમાં, વિહીરઆંબા અને આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામજનોએ પણ એકસૂરે વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી બુલંદ કરી છે કે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના, ચોમાસા પૂર્વે જ આ નબળા માર્ગનું મજબૂતીકરણ કરવામાં આવે, જેથી ચોમાસાના ચાર મહિના દરમિયાન પણ ગ્રામજનોને સુરક્ષિત, નિર્ભય અને સુવિધાજનક અવરજવરનો હક્ક મળી રહે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પંચાયત તંત્ર સરપંચની આ લેખિત ભલામણ અને જનતાના આક્રોશને ધ્યાનમાં લઈને કેટલી ઝડપે હકારાત્મક પગલાં ભરે છે તે જોવુ જ રહ્યુ..





