
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે ગટર, મેનહોલ, ડ્રેનેજ ચેમ્બર, ખાળકૂવા અને સેપ્ટિક ટેન્ક જેવી જગ્યાઓની હાથેથી કરાતી જોખમી સફાઈ સામે કડક જાહેર ચેતવણી બહાર પાડવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, આવા જોખમી સફાઈ કાર્ય માટે કોઈપણ સફાઈ કામદારને અંદર ઉતારવું કાયદેસર ગુનો ગણાશે અને નિયમ ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહાનગરપાલિકાની જાહેર નોટિસ મુજબ, નામદાર સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા તેમજ ‘ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ-૨૦૧૩’ હેઠળ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિને ગટર અથવા સેપ્ટિક ટેન્કમાં ઉતારીને હાથેથી સફાઈ કરાવવી ગેરકાયદેસર ગણાય છે.
મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે, ખાનગી સોસાયટીઓ, સંસ્થાઓ, રહેણાંક કોમ્પ્લેક્સ અથવા અન્ય કોઈ ખાનગી સ્થળોએ જો આવી અનધિકૃત કામગીરી કરવામાં આવશે તો તેના માટે સંબંધિત માલિકો, સંચાલકો અથવા હોદ્દેદારો જાતે જવાબદાર રહેશે. આવી કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી પણ સંબંધિત વ્યક્તિ કે સંસ્થાની રહેશે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂકવવાપાત્ર વળતર પણ તેમને જ ભરવાનું રહેશે.
નવસારી મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ખાનગી ધોરણે થતી આવી જોખમી સફાઈ કામગીરી સાથે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. આથી તમામ નાગરિકો, સોસાયટીઓ અને સંસ્થાઓને કાયદાનું પાલન કરવા તથા મશીનરી અને સુરક્ષા સાધનો દ્વારા જ સફાઈ કામગીરી કરાવવા સૂચના આપવામાં આવી છે.
આ બાબતે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ સંબંધિતોને ગંભીર નોંધ લેવા અને નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.





