વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની આદર્શ નિવાસી શાળા (કન્યા) આહવા/સાપુતારાની છોકરીઓએ શાળાકીય રમત ગમત સ્પર્ધા (SGFI) રાજ્ય કક્ષાએ કબડ્ડી અંડર 14 માં ડાંગ જિલ્લાની ટીમનું પ્રતિનિધિત્વ કરીને પ્રથમ સ્થાન મેળવીને જિલ્લો અને રાજ્યનું નામ રોશન કર્યું છે.ગાંધીનગર માણસા બ્લીસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરની કુલ 45 ટીમોએ ભાગ લીધો હતો. અને ફાઇનલમાં ડાંગ અને તાપી જિલ્લાની ટીમ વચ્ચે રોમાંચક જંગ જોવા મળી હતી. આ જંગમાં ડાંગ જિલ્લાની ટીમે 37 પોઈન્ટ સાથે વિજય મેળવ્યો હતો, જ્યારે તાપી જિલ્લાની ટીમ 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી હતી.આદર્શ નિવાસી શાળા (કન્યા) આહવા/સાપુતારાની વિદ્યાર્થિનીઓ ભોયે જ્યોતિબેન, પાડવી સ્નેહાબેન, ભુસારા રાજેશ્વરીબેન, પવાર સંજનાબેન અને પટેલ જસ્મીનબેન સહિતની સમગ્ર ટીમને આ વિજય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટીમના કોચ વાઘેરા ભાવનેશભાઈ લલીચંદભાઈ અને આચાર્ય હરીયાણી હેતલબેન સહિતના શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.આ વિજય સાથે આદર્શ નિવાસી શાળા (કન્યા) આહવા/સાપુતારાએ ડાંગ જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજાવ્યુ છે. આ વિજયથી વિદ્યાર્થીનીઓમાં રમતગમત પ્રત્યેની રુચિ વધશે તેવી આશા સેવાઈ રહી છે..