AHAVADANG

ડાંગના વઘઇ, ગાઢવી અને ચિંચલીમાં યોગ સાથે ઉલ્લાસ બાળ મનનો વિકાસ નિ:શુલ્ક સમર યોગા ટ્રેનિંગનો પ્રારંભ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ,તા: ૨૨: બાળકોના શારીરિક માનસિક સ્વાસ્થ્ય ની સાથે સર્વાંગિક વિકાસ અને સંસ્કારનુ સિંચન યોગના માધ્યમથી સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૨૫૦ થી વધુ સ્થળો પર યોગા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ ગત તા. ૧૬/૦૫/૨૦૨૫ થી ‘યોગ સાથે ઉલ્લાસ બાળ મનનો વિકાસ’ – નિઃશુલ્ક સમર યોગા ટ્રેનિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડાંગના વઘઇ, ગાઢવી અને ચિંચલીમાં આમ ત્રણ સ્થળોએ આયોજિત આ કેમ્પમાં બાળકોને યોગા અભ્યાસ સાથે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. જેમાં ગાઢવી ખાતે અગત્સય ફાઉન્ડેશન દ્વારા બાળકોને ક્રાફ્ટની સામગ્રી માંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું શિખવાડવામાં આવ્યું હતું. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો/દિકરીઓ માટે સરકારશ્રીની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. જ્યારે વઘઇ ખાતે વિજ્ઞાન શિક્ષક દ્વારા અંધ શ્રધ્ધા દુર કરવા જ્ઞાન સાથે ગમ્મત કરી બાળકોને માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આગામી ૩૧/૦૫/૨૦૨૫ સુધી કાર્યરત આ શિબિરમાં ૦૭ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ રહ્યા છે. આ યોગા સમર કેમ્પમાં ભાગ લેવાથી શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ, એકાગ્રતામાં વધારો, ઉત્તમ સંસ્કારનુ સિંચન, મોબાઈલના એડીકટેશનથી દુર કરવા આઉટડોર રમતો તરફ પ્રાધાન્યતા સાથે બાળકો પુસ્તકો તરફ પ્રેરાય,  આ સાથે  ટીમ વર્ક (લીડરશીપના ગુણો) તેમજ સર્જનાત્મક શક્તિ કૌશલ્ય વગેરે જેવા ફાયદાઓ થશે.

Back to top button
error: Content is protected !!