AHAVADANG

વલસાડ: રેડ એલર્ટ છતાં મોડો નિર્ણય! ધરમપુરમાં સ્કૂલ વાન ચાલકના મોત મામલે તંત્ર સામે ગંભીર સવાલો

વાત્સલ્યમ સમાચાર

  વલસાડ

વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રની બેદરકારીની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને પીડિત પરિવારને વળતર આપવાની માંગ કરવામાં આવી..

ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે ભારે વરસાદ દરમિયાન સ્કૂલ વાન ચાલકના કરુણ મૃત્યુ બાદ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રી કાર્યાલય સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે હવામાન વિભાગે અગાઉથી જ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હોવા છતાં જિલ્લા તંત્રે સમયસર શાળાઓમાં રજા જાહેર કરી નહોતી. જ્યારે પડોશી જિલ્લાઓએ અગાઉથી જ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારે વલસાડમાં મોડો નિર્ણય લેવાતા તા. 7 જુલાઈના રોજ સવારે ધરમપુરના તિસ્કરી તલાટ ગામે શાળાએ જતી બાળકીને લેવા ગયેલા સ્કૂલ વાન ચાલક ધસમસતા પાણીમાં તણાઈ જતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજુઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની ન્યાયિક અને તટસ્થ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય, પીડિત પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેમજ ભવિષ્યમાં રેડ એલર્ટ જાહેર થાય ત્યારે શાળાઓ બંધ રાખવા અંગે અગાઉથી ફરજિયાત SOP અમલમાં મૂકવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને

Back to top button
error: Content is protected !!