AHAVADANG

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ૧૮ રસ્તાઓ બંધ ! શાળાઓમાં રજા જાહેર કરાઈ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે જિલ્લા પંચાયત હસ્તકનાં ૧૮ રસ્તાઓ બંધ કરાયા:- વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ..

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં મંગળવારે ધોધમાર વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ, ભેંસકાતરી,ઝાવડા,કાલીબેલ, બરડીપાડા,સિંગાણા, લવચાલી, પીપલાઈદેવી,ગારખડી, સુબિર, ચીંચલી, આહવા,બોરખલ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સોમવારે રાત્રીનાં અરસાથી મંગળવારે દિવસ દરમ્યાન ક્યાંક મધ્યમ તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે અંબિકા,ગીરા,ખાપરી,પૂર્ણાં નદી ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ વહેતી થઈ હતી.ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજરોજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. જ્યારે માધ્યમિક અને રેસીડેન્સિયલ શાળાઓ ચાલુ રાખવામાં આવેલ છે.દરમિયાન આ લખાય છે ત્યાં સુધી, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૮ ગ્રામ્ય માર્ગો ઓવરટેપિંગના કારણે બંધ થવા પામ્યા છે. જેમાં વઘઇ તાલુકાના ૧. ખાતળ ફાટક ટુ ધોડી રોડ, ૨. માછળી ખાતળ રોડ – 1, ૩. ગોદડીયા ટુ પાંઢરમાળ રોડ, ૪. ભેંસકાતરી કાંકરદા ભોંગડીયા એન્જીનપાડા રોડ, ૫. ભેંસકાતરી મેઇન રોડ ટુ આસરીયા ફળીયા રોડ (જુનો રોડ), ૬. માછળી ચિખલા દિવડીયાવન રોડ, ૭. વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, ૮ વાંઝડઆંબા કોયલીપાડા રોડ, ૯. આંબાપાડા ચીંચપાડા ઉગા રોડ,  ૧૦. ધોડવહળ વી.એ. રોડ,  ૧૧. આહેરડી બોરદહાડ રોડ,  ૧૨. માનમોડી બોંડારમાળ નિંબારપાડા રોડ,  ૧૩. મોટીદાબદર નાનીદાબદર નાનાપાડા રોડ, ૧૪. ધાંગડી કાનત ફળીયા રોડ, ૧૫. ચિખલદા વી.એ.રોડ, તેમજ આહવા તાલુકાના ૧. જાખાના કોટમદર રોડ, ૨. ધવલીદોડ સેન્દ્રીઆંબા રોડ, અને ૩. બારીપાડા ચિરાપાડા રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.ડાંગ જિલ્લામા વરસાદની આગાહીને પગલે કલેક્ટર એન.ડી.પરમાર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્યમથક નહિ છોડવાની પણ સુચના આપવામા આવી છે.ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમા ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામા ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનુ જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે..

Back to top button
error: Content is protected !!