
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેતા સુરક્ષાકર્મીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આજે વિશેષ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ત્રણ મુખ્ય તાલુકા મથકો—આહવા, સુબિર અને વધઈ—ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પોલીસ જવાનો અને અન્ય સુરક્ષાબળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ મતદાન પ્રક્રિયા અંગે ડાંગ જિલ્લાનાં પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ ડાંગના ડીવાયએસપી (DySP) જનેશ્વર નલવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના અનુસંધાને આજે ૨૨ એપ્રિલના રોજ જિલ્લાના ત્રણ કેન્દ્રો પર વિશેષ મતદાન યોજાયુ હતુ.જેમાં અઢીસોથી વધુ પોલીસ જવાનો, ૪૦૦થી વધુ જી.આર.ડી (GRD) જવાનો અને ૩૦૦થી વધુ હોમગાર્ડ જવાનો મળી કુલ ૧૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓએ પોસ્ટલ બેલેટ મારફતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.” આ પ્રક્રિયામાં DySP, PI અને PSI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે ખાતરી આપી છે કે તેઓ અન્ય સ્ટેક હોલ્ડર એજન્સીઓ સાથે મળીને ચૂંટણી દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં સુરક્ષાકર્મીઓના આ જંગી મતદાનને કારણે જિલ્લામાં ચૂંટણીલક્ષી માહોલ વધુ ગરમાયો છે અને વહીવટી તંત્ર હવે આગામી મુખ્ય મતદાન દિવસની તૈયારીઓમાં જોતરાયું છે..





