Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં ચેનલો મારફતે ચૂંટણી પ્રસાર માટે પરવાનગી બાબતે હુકમ

તા.૨૨/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડો. ઓમ પ્રકાશે કેબલ નેટવર્ક / સ્થાનિક ચેનલો મારફતે ચૂંટણી પ્રસાર માટે પરવાનગી બાબતે નીચે મુજબ હુકમ કર્યો છે.
૧. ટેલિવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલા રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલિકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ પરવાનગી કમિટીના સભ્ય અને સહાયક માહિતી નિયામક, રાજકોટને અરજી કરવાની રહેશે.
૨. અન્ય કોઈ વ્યક્તિ અથવા બિનનોંધાયેલા રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલિકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.
૩. ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સૂચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલી બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.
૪. આવી જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સ વગેરેની પરવાનગી મેળવવા માટેની અરજી સહાયક માહિતી નિયામક, જ્યુબિલી બાગ, રાજકોટને કરવાની રહેશે. આ અરજીમાં નીચે જણાવેલી બાબતોનો સમાવેશ કરવાનો થશે.
(એ) જાહેરાત નિર્માણનો ખર્ચ.
(બી) ઇન્સર્શનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન માટે વસૂલ કરવામાં આવનારા સૂચિત દર સાથે ટેલિવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતના સૂચિત પ્રસારણનો અંદાજિત ખર્ચ.
(સી) મૂકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારોના પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.
(ડી) જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઈ વ્યક્તિએ આપી હોય તો તે વ્યક્તિ સોગંદ પર જાહેર કરશે કે તે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને જાહેરાત કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી.
(ઈ) તમામ ચુકવણી એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે એવી કબૂલાત.
૫. ટેલિકાસ્ટ માટે જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સની મંજૂરી મેળવ્યા વિના જાહેરાત, જિંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સનું પ્રસારણ થઈ શકશે નહીં.
૬. ચૂંટણી કામગીરી માટે નાયબ મામલતદાર-હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના અધિકારીશ્રીએ જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવાની રહેશે અને આચારસંહિતાનું ઉલ્લંઘન થતું જણાય તેવા સમયે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અહેવાલ રજૂ કરવાનો રહેશે. આવો અહેવાલ મળ્યેથી ચૂંટણી કામગીરી માટે નિયુક્ત સંબંધિત ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીને કેબલ ટેલિવિઝન વિનિયમન અધિનિયમ હેઠળના નિયમો તથા રાજ્ય ચૂંટણી આયોગની વખતોવખતની સૂચનાઓ ધ્યાને લઈ તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સત્તા આપવામાં આવે છે.
૭. ચૂંટણી લડતા ઉમેદવારો / રાજકીય પક્ષો દ્વારા કેબલ નેટવર્ક / સ્થાનિક રીતે ચાલતી ચેનલો મારફતે થનારા આવા ચૂંટણી પ્રચાર અંગેની અરજીઓ મળ્યા બાદ સમિતિમાં રજૂ કરી મંજૂરી મળ્યેથી તેની આખરી મંજૂરી આપવા માટેના હુકમો તૈયાર કરી રાજકોટ કલેક્ટર સમક્ષ રજૂ કરવા તથા મંજૂરી આપવા બાબતેની તમામ પ્રકારની કાર્યવાહી સહાયક માહિતી નિયામક, રાજકોટએ કરવાની રહેશે.
૮. આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના આદેશ અનુસાર પરવાનગી આપવાની રહેશે.
આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાપાત્ર થશે.




