RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકશાહીના પર્વમાં શ્રમિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા આદેશ

તા.૨૨/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે

ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટ અને સંસ્થાઓએ શ્રમયોગીઓના પગારમાંથી કોઈ કપાત નહીં કરી શકાય

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ રાજકોટ જિલ્લા પંચાયત તથા રાજકોટ જિલ્લાની કુલ-૧૧ તાલુકા પંચાયતની બેઠકોનું મતદાન યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગીઓ કોઈપણ આર્થિક નુકસાન વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ડાયરેક્ટરશ્રી, ઇન્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અમદાવાદ દ્વારા જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

જે મુજબ મતદાનના દિવસે તમામ નોંધણી થયેલ કારખાનાઓ, સંસ્થાઓ અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓને મતદાન માટે ‘સવેતન રજા’ આપવાની રહેશે. આ જોગવાઈ મુજબ, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ શ્રમયોગી દૈનિક ધોરણે પગાર મેળવતા હોય, તો તેમને પણ તે દિવસે મળવાપાત્ર પૂરો પગાર ચૂકવવાનો રહેશે.

વધુમાં, જે કારખાનાઓમાં સતત પ્રક્રિયા ચાલતી હોય અથવા જ્યાં શ્રમિકની ગેરહાજરીથી મોટા નુકસાનની સંભાવના હોય, તેવા કિસ્સામાં શ્રમયોગીઓ પોતાનો મત આપી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના ગાળા દરમિયાન ૩થી ૪ કલાકની સવેતન રજા આપવાની રહેશે.

Back to top button
error: Content is protected !!