
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આદિવાસી બાળકોના શિક્ષણ સાથે ચેડાંનો આક્ષેપ, જામનપાડા શાળામાં વાલીઓનું તાળાબંધી આંદોલન
ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં જામનપાડા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યથી નારાજ થયેલા વાલીઓ અને ગ્રામજનોએ એકત્રિત થઈને શાળાને તાળાબંધી કરી દીધી છે.ગ્રામજનોનો આક્રોશ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા શાળાની સ્થિતિ સુધારવા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.જામનપાડા ગામની આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા કુલ 11 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.આટલા વિદ્યાર્થીઓ હોવા છતાં, શાળાનું સંચાલન માત્ર એક જ શિક્ષક હસ્તક હોવાથી શિક્ષણના સ્તર પર ગંભીર સવાલો ઊભા થયા છે. તેમાં પણ વાલીઓનો એવો આક્ષેપ છે કે શાળામાં કોઈ કાયમી શિક્ષક ટકતા નથી અને જે પણ શિક્ષક આવે છે તેઓ અત્યંત અનિયમિત છે.સ્થાનિક વાલી અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળામાં દર 15 દિવસે કે મહિને શિક્ષક બદલાઈ જાય છે. વારંવાર શિક્ષકોની થતી આવી અદલાબદલીના કારણે બાળકો કોઈ એક શિક્ષક સાથે યોગ્ય તાલમેલ બેસાડી શકતા નથી, જેના કારણે તેમનું ભણતર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા સ્થાનિક વાલી શંકુતલાબેન રણજીતભાઈ પવારે જણાવ્યું હતું કે,” મારા બે છોકરાઓ અહીં શાળામાં ભણે છે. છેલ્લા એક-દોઢ વર્ષથી અહીં બાળકોને સારી રીતે શિક્ષણ મળતું નથી. દર 15 દિવસે કોઈક શિક્ષક આવે છે, પણ શિક્ષણ બરાબર મળતું નથી. જ્યાં સુધી અહીં તંત્ર દ્વારા કોઈ કાયમી અને સારા શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અમારા બાળકોને અહીં ભણવા મોકલવાના નથી અને આ શાળાનું તાળું પણ ખોલવાના નથી.”આ સમગ્ર મામલે ભારે હોબાળો મચતા જ્યારે તાલુકા શિક્ષણ અધિકારી (TEO) નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ બાબતે વહીવટી પ્રક્રિયાનો હવાલો આપતા જણાવ્યું કે, “શાળામાં શિક્ષક નિયમિત આવે જ છે. જો કે, આ શાળા માટે જે કાયમી શિક્ષકની બદલી કરવામાં આવી છે, તેમને તેમની અગાઉની શાળામાંથી હજી સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. આ વહીવટી વિલંબના કારણે તેઓ હજી સુધી જામનપાડા શાળાનો કાયમી ચાર્જ સંભાળી શક્યા નથી.”તંત્રના આવા ઉદાસીન વલણ અને વહીવટી ટલ્લે ચઢેલી પ્રક્રિયાને કારણે ગરીબ આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વાલીઓની આ તાળાબંધી બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગીને ડાંગની જામનપાડા પ્રાથમિક શાળાને કાયમી શિક્ષક આપે છે કે પછી બાળકોનું શિક્ષણ આમ જ રામભરોસે ચાલતું રહેશે.આ બાબતે ગ્રામજનોએ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીતનો સંપર્ક કરી વ્યથા જણાવી હતી.જે બાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રાજેશભાઈ ગામીત દ્વારા તુરંત જ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શાળાનાં શિક્ષણ વ્યવસ્થાની પૂર્તતાનાં સૂચનો આપ્યા છે..




