AHAVADANG

ડાંગ જિલ્લાનાં મોટામાંળુગા ખાતે પ્રાથમિક શાળાના નિર્માણમાં હલકી કક્ષાની સામગ્રી વપરાતી હોવાની રાવ..

વાત્સલયમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલા મોટામાંળુગા ગામે શિક્ષણ વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સર્વ શિક્ષા અભિયાન (SSA) અંતર્ગત કરોડો રૂપિયાના માતબર ખર્ચે આદિવાસી બાળકો માટે નવી પ્રાથમિક શાળાના મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.પરંતુ, સ્થાનિકોના આક્ષેપ અનુસાર સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા કોઈ પણ પ્રકારના ભય વગર ખુલ્લેઆમ હલકી કક્ષાનું માલ-મટીરીયલ વાપરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. શાળાના બિલ્ડીંગના પાયા સમાન આડા બીમ, લેન્ટર અને સ્લેબ ભરવાની કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી રહી છે. નિર્માણ કાર્યમાં ગુણવત્તા વગરનું નબળું સિમેન્ટ, હલકી કક્ષાની રેતી અને સ્ટીલ (લોખંડ)નો ઉપયોગ થઈ રહ્યો છે, એટલું જ નહીં પરંતુ રેતીની જગ્યાએ મોટા પાયે ડસ્ટ અને ગ્રીટનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલું આ આખું બિલ્ડીંગ સાવ ખોખલું સાબિત થશે અને આગામી ચોમાસામાં જ આ નવા બનતા મકાનનો સ્લેબ લીકેજ થવા માંડે તો પણ નવાઈ નહીં, તેવી ભીતિ સેવાઈ રહી છે.આ સમગ્ર કૌભાંડ પાછળ ઇજારદાર અને સર્વ શિક્ષા અભિયાન (ડાંગ)ના ઈજનેર ચંદુભાઈ પટેલની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે આદિવાસી બાળકોના ભવિષ્ય અને સુવિધા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બંનેની સાંઠગાંઠમાં ઓહિયા થઈ રહી છે.આ સ્કૂલ સરહદી વિસ્તાર (બોર્ડર) પર આવતી હોવાનો ગેરલાભ ઉઠાવીને ઈજનેર ચંદુભાઈ પટેલ ક્યારેય સાઇટ પર સુપરવિઝન કરવા પણ આવતા નથી. પોતાની નિર્ધારિત ટકાવારી (કમિશન) મેળવવામાં મસ્ત બનેલા આ સરકારી બાબુ ગરીબ આદિવાસી બાળકોની પાયાની સુવિધાઓ અને તેમના જીવન સાથે ગંભીર છેડછાડ કરી રહ્યા છે. સરકારી નાણાંનો આવો દુર્વ્યય અને નબળું બાંધકામ જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો દ્વારા હવે આ સમગ્ર ભ્રષ્ટાચાર અંગે સીધા મુખ્યમંત્રી (CM) કક્ષાએ લેખિત ફરિયાદ કરી ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!