AHAVADANG

ડાંગમાં RTO અને ટ્રાફિક પોલીસની ઢીલી અમલવારીનો ભોગ નિર્દોષ કારચાલક?

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વઘઈ–સાપુતારા હાઈવે પર ખુરશીઓથી લદાયેલ બાઈક કાર સાથે અથડાતાં અકસ્માત; જોખમી રીતે સામાન લઈ દોડતા ટુ-વ્હીલર સામે કાર્યવાહી અંગે ઉઠ્યા ગંભીર સવાલ

ડાંગ જિલ્લાના વઘઈ–સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર બાજ ગામ નજીક આજે સર્જાયેલા કાર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતે માત્ર એક માર્ગ અકસ્માત નહીં, પરંતુ માર્ગ સલામતીના નિયમોના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અકસ્માતમાં મોટરસાયકલચાલક ઈજાગ્રસ્ત બન્યો હતો, જ્યારે કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી કંપનીના પ્રોડક્ટના પ્રચાર માટે નાસિક તરફ જઈ રહેલી કાર (GJ-05-JQ-0149) બાજ ગામ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન રાજસ્થાન નંબરની મોટરસાયકલ (RJ-33-QA-5800) પર  કથિત રીતે રોંગ સાઈડેથી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની ખુરશીઓ જોખમી રીતે બાંધીને લઈ જવાઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર મોટરસાયકલ કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઈકચાલકને માથા અને કાનના ભાગે ઈજાઓ પહોંચતાં સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે વઘઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

આ બનાવ બાદ લોકોમાં ચર્ચા છે કે ડાંગ જિલ્લામાં અનેક ટુ-વ્હીલર ચાલકો પાછળ મીની ટેમ્પોની જેમ ખુરશીઓ, પલંગ, શેરડી તથા અન્ય લાંબો અને ભારે સામાન બાંધીને જાહેર માર્ગો પર અવરજવર કરતા જોવા મળે છે. આવા વાહનો માર્ગ સલામતી માટે જોખમરૂપ હોવા છતાં તેમના સામે નિયમિત અને અસરકારક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિકોના મતે RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે છે, પરંતુ જોખમી રીતે સામાન વહન કરતા ટુ-વ્હીલર સામે સતત અને કડક અમલવારીનો અભાવ જોવા મળે છે. પરિણામે અકસ્માતોની શક્યતા વધી રહી છે અને નિર્દોષ મોટા વાહનચાલકોને પણ નુકસાન તથા કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે.

આજનો અકસ્માત પણ આવી જ સ્થિતિનું તાજું ઉદાહરણ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોનું માનવું છે કે જો માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને જોખમી રીતે સામાન વહન કરતા વાહનો સામે નિયમિત કાર્યવાહી થાય તો આવા અકસ્માતોમાં ઘટાડો શક્ય બને.

ડાંગ જિલ્લાના માર્ગો પર વધતા આવા જોખમોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈ RTO, ટ્રાફિક પોલીસ તથા સંબંધિત વિભાગોને સંયુક્ત વિશેષ ડ્રાઈવ ચલાવવાના આદેશ આપે તેમજ જોખમી રીતે સામાન લઈ ફરતા ટુ-વ્હીલર સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે સમયસર અસરકારક પગલાં લેવાશે તો અનેક નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચી શકશે.

Back to top button
error: Content is protected !!