વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના રાજવીશ્રીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ..
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિતના મહાનુભાવોએ ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી હળપતિએ રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ ઉમેર્યુ હતુ.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીશ્રીએ ‘ડાંગ દરબાર’નો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી. શ્રી હળપતિએ ‘ડાંગ દરબાર’ના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
‘ડાંગ દરબાર’ ની પરંપરા અનુસાર પ્રતિવર્ષ આ કાર્યક્રમમા પધારતા રાજયપાલશ્રી, આ વેળા સંજોગોવસાત ઉપસ્થિત રહી શક્યા નથી ત્યારે, તેમના તરફથી પાઠવાયેલા શુભેચ્છા સંદેશથી પણ સૌને મંત્રીશ્રીએ અવગત કરાવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ ડાંગના રાજવીશ્રીઓના નાના મોટા પડતર પ્રશ્નો પરત્વે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ હમેશા હકારાત્મક અભિગમ સાથે તેમની પડખે છે, તેમ પણ કહ્યું હતું.
ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને, ‘ડાંગ દરબાર’ના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ડાંગના માજી રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી, સન્માન કર્યુ હતુ. રાજવીશ્રીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયબ દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપી, આગામી દિવસોમાં ‘ડાંગ દરબાર’ ની ઉજવણીને વધુ ગરિમાપૂર્ણ બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ડબલ એન્જીનની સરકારને કારણે વિકાસના માર્ગે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાના વિકાસ પ્રકલ્પો, આગામી દિવસમાં જિલ્લાની ગરિમા વધારશે તેમ જણાવ્યુ હતુ. ખાસ કરીને ડાંગની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિચારાધીન સંભવિત પ્રકલ્પોનો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો.
દરમિયાન રાજવી પરિવારવતી વાસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશીએ રાજ પરિવારોની લાગણી અને માંગણી રજુ કરી, સૌને હોળી-ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે સૌને ‘ડાંગ દરબાર’મા આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ‘ડાંગ દરબાર’ના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલી જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
‘ડાંગ દરબાર’ના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતું.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ‘ડાંગ દરબાર ‘ના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ, મનિષાબેન, અને વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી.
‘ડાંગ દરબાર’ના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોયે, ઉપ સરપંચ શ્રી હરીરામ સાંવત સહિત ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથાર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.ડી.તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા, સહિતના મહાનુભાવો, અગ્રણી નાગરિકો, વ્યકિત વિશેષ, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.