
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ, નવસારીના કુલ ૭૦ રસ્તાઓ પૈકી ૩૦ રસ્તાઓ પર ઓવરટોપિંગની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો હતો.
હાલમાં પાણી ઓસરતાં આ તમામ માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે નુકસાન પામેલા માર્ગોની તાત્કાલિક મરામત કરીને વાહનવ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવી દેવામાં આવ્યા છે.
સામાન્ય નુકસાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગ અને મકાન વિભાગની કુલ ૧૧ ટીમો જે.સી.બી., ડમ્પર સહિતની આધુનિક મશીનરી તેમજ જી.એસ.બી. અને વેટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરીને સતત કામગીરી કરી રહી છે.
હાલમાં બીલીમોરા–ચીખલી–વાંસદા–વઘઈ માર્ગ પર થયેલા લેન્ડસ્લાઈડને દૂર કરવાની કામગીરી, કસ્બા–છીણમ–દેલવાડા–ભીનાર માર્ગ પર આવેલા કલવર્ટના સ્ટ્રક્ચરોની મરામત તેમજ તવડી ગામના એપ્રોચ રોડને થયેલા ધોવાણની મરામત સહિતની કામગીરી પ્રગતિમાં છે. આ તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને તમામ માર્ગોને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા નાગરિકોની સુરક્ષા તથા સરળ અને સલામત વાહનવ્યવહારને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિભાગ દ્વારા માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કાર્યપાલક ઇજનેરની અખબારી યાદીમાં જણાવેલ છે.





