નવસારી જિલ્લાના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વાહનવ્યવહાર સુગમ રહે અને જનસુરક્ષા જળવાઈ રહે તે માટે માર્ગ અને મકાન પેટા વિભાગ, ચીખલી દ્વારા તાત્કાલિક ધોરણે વિવિધ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોને મેદાનમાં ઉતારી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં બીલીમોરા–ચીખલી–વાંસદા–વઘઈ રોડ, સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરણ્જવેરી રોડ, ચીખલી–ફડવેલ–ઢોલુંબર–ઉમરકુઈ રોડ, આલીપોર ડેરીથી ચીખલી કોલેજ લિંક રોડ, આલીપોર–દેગામ–ચાસા–ટાંકલ રોડ તેમજ ખારેલ–ટાંકલ–બોળવાંક–ધોળીકૂવા રોડ સહિતના મહત્વના માર્ગો પર વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે.
વિભાગ દ્વારા ડ્રેનેજ અને પાણીના પ્રવાહને અવરોધતા સ્થળોને તાત્કાલિક ખુલ્લા કરવામાં આવી રહ્યા છે, જેથી માર્ગો પર પાણી ભરાઈ ન રહે અને વાહનવ્યવહાર અવરોધિત ન થાય. આ કામગીરીના પરિણામે માર્ગો પર પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે, વાહનચાલકોને સરળ અવરજવર મળશે તેમજ વરસાદી માહોલમાં અકસ્માતોની સંભાવનાઓ પણ ઘટશે.
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર સતત સતર્ક છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી ચાલુ રાખવામાં આવશે, જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.




