વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત વ્યક્તિગત આવાસ યોજનાનાં ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવેલ છે.પરંતુ ડાંગ જિલ્લામાં ફોર્મ ભરવા જઈએ ત્યારે પોર્ટલ બંધ હોય છે.ત્યારે આ પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ એ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વ્યક્તિગત આવાસ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે.જેમાં ફોર્મ ભરવા માટે તા.૨૦/૦૬/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ સુધીની મુદત આપવામાં આવેલ છે,પરંતુ ડાંગ જિલ્લાનાં લાભાર્થીઓ જ્યારે પણ ઓનલાઇન ફોર્મ ભરવા જતા હોય છે ત્યારે ઓનલાઇન પોર્ટલ બંધ કરવામાં આવેલ હોય એવી સૂચના આપવામાં આવે છે.ડાંગ જિલ્લો એ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે,અહી માત્ર ચોમાસા આધારિત ખેતી પર કુટુંબો નભે છે અને બાકીના સમયે બહારના રાજ્ય તેમજ બહારના જિલ્લાઓમાં રોજગારી માટે મજુરી અર્થે સ્થળાંતર કરી જાય છે.તેથી ડાંગના લોકો પાસે કોઈ બચત થતી નથી અને પોતાનું સ્વપ્ન સમાન એક ઘર માટે સરકારની યોજનાઓ પર આધાર રાખવો પડે છે.અને જ્યારે સરકાર દ્વારા આવાસ માટેની જાહેરાત આવતાં એક અનેરો ઉત્સાહ અને ખુશી અનુભવી રહ્યા હતા. તેવામાં ઓનલાઈન ફોર્મ ભરવાનાં માત્ર એક અઠવાડિયામાં પોર્ટલ બંધ કરી દેવામાં આવતા ,ગરીબોનું ઘર બનાવવાનું સપનુ વિખેરાઈ જતુ નજરે પડી રહ્યું હોય એવી લાગણી ડાંગ જિલ્લા વાસીઓ અનુભવી રહ્યા છે.સરકારનો ૨૦૨૨ સુધીમાં દરેકને પાકું ઘર આપવાની નેમ હતી તે પણ ફળીભૂત થઈ રહી નથી.ત્યારે વ્યક્તિગત આવાસ માટે નું બંધ કરી દેવામાં આવેલ ઓનલાઈન પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે અને ડાંગ જિલ્લાને વિશેષ દરજ્જો આપી લક્ષ્યાંક વધારવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ એ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.ત્યારે ડાંગ જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, આહવા તાલુકા પ્રમુખ સુભાષભાઈ વાઘ,ગુજરાત પ્રદેશ યુવક મંત્રી મનીષભાઈ મારકણા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..