AHAVADANG

લગ્નની લાલચ આપી બે લાખ પડાવનાર ફરાર લુટેરી દુલ્હનને સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કન્યાની શોધમાં આવતા નિર્દોષ લોકોને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીઓ સક્રિય હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો ભોગ બન્યા છે. આવો જ એક કિસ્સો ગત વર્ષ ૨૦૨૫માં પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં અમદાવાદથી ડાંગ ખાતે કન્યાની શોધમાં આવેલા એક યુવકને લગ્નના બહાને આ જાળમાં ફસાવવામાં આવ્યો હતો. આ ટોળકીના સભ્યોએ યુવકને લગ્નની લાલચ આપી, કન્યા બતાવી અને લગ્નના ખર્ચના બહાને તેની પાસેથી કુલ રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) રોકડા પડાવી લીધા હતા.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ભોગ બનનાર યુવકે સાપુતારા પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા અગાઉ બે મહિલાઓ સહિત આ ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા, પરંતુ ગુનાની મુખ્ય સૂત્રધાર એવી “લુટેરી દુલ્હન” પોલીસને થાપ આપીને છેલ્લા છ મહિનાથી ફરાર ચાલી રહી હતી.  નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે  ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ આહવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) જનેશ્વર નલવૈયા તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.શાંખલા અને તેમની ટીમ (અ.હે.કો. શક્તિસિંહ સરવૈયા, અ.હે.કો. રમેશભાઈ અને વુ.પો.કો. પ્રિતીનાબેન) સતત કાર્યરત હતા.સાપુતારા પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાની મુખ્ય સૂત્રધાર દુલ્હન મહારાષ્ટ્રમાં છુપાયેલી છે.પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લાના શિરુડ ગામ ખાતે સફળ રેડ પાડીને છેલ્લા છ મહિનાથી વોન્ટેડ એવી મુખ્ય આરોપી મહિલા પૂજા ઉર્ફે આરતી સુધાકરરાવ સોલંકે (ઉં.વ. ૨૫, હાલ રહે. શિરુડ, તા.જી. ધુલે, મૂળ રહે. કાનોલી, તા. દરિયાપુર, જી. અમરાવતી) ને દબોચી લીધી છે.પોલીસે તેની સામે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩(૫), ૬૧, ૩૧૮(૪) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!