RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજ્યની પ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલનો રાજકોટ ખાતે પ્રારંભ

તા.૨૧/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ખાનગી શાળાને ટક્કર આપે તેવા સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડો, સાયન્સ લેબોરેટરી, કમ્પ્યુટર લેબમાં ડિજિટલ એજ્યુકેશન

પ્લે ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ સંકુલ, પ્રાર્થના ખંડ, કેન્ટીન સુવિધાઓ સાથે કુદરતના ખોળે ૩૦૦ વૃક્ષોની છાયામાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે તેવું વિશાળ સંકુલ

શાળામાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ સહાય, સ્કોલરશીપ મળવાપાત્ર

Rajkot: ર્અંગ્રેજી ભાષા આજના સમયની જરૂરિયાત બની ગઈ છે. વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. ખાનગી શાળાઓમાં ઊંચી ફી ચૂકવીને મળતું આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે સરકારી શાળાઓમાં પણ નિઃશુલ્ક ઉપલબ્ધ બન્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને નવીન અભિગમ ધરાવતી શાળાઓ વિકસાવવામાં આવી રહી છે. તેનો ઉત્તમ દાખલો રાજકોટ ખાતે શરૂ કરાયેલી રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું સશક્ત માધ્યમ પૂરું પાડી રહી છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. જેમાં માત્ર આધુનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ જ નહીં, પરંતુ તેઓ ખેલ જગતમાં આગળ વધે તે માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ છે.

શાળાની વિશેષતા

રાજકોટ શહેરમાં ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં નવીન ટાવરની પાછળ આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં ૪૦ જેટલા વિશાળ, હવા-ઉજાસવાળા અને સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડોમાં ડિજિટલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસમાં ૧૪૦થી વધુ હાઈ-ડેફિનેશન CCTV કેમેરા અને ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાયોગિક શિક્ષણ માટે અહીં અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ટેકનોલોજીના જ્ઞાન માટે ICT (કોમ્પ્યુટર) લેબની સુવિધા ઉપલબ્ધ છે.

રમત-ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતું વિશાળ મેદાન અને સ્પોર્ટ્સ સંકુલ પણ આ શાળામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કેન્ટીન, કાઉન્સેલિંગ રૂમ, મીટિંગ હોલ અને વિશાળ પાર્કિંગ જેવી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ વિકસાવવામાં આવી છે.
પ્રકૃતિને ધ્યાનમાં રાખી શાળામાં સોલાર સીસ્ટમ અને ૩૦૦ વૃક્ષોની છાયામાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે તેવું વિશાળ કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સુવિધાઓ

અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ ઉપરાંત પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. વધુમાં નિયમ મુજબની તમામ સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) જેવી સરકારી યોજનાઓનો લાભ પણ મળવાપાત્ર રહેશે.

ધોરણ ૯ અને ૧૦માં પ્રવેશ શરૂ

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દીક્ષિત પટેલના જણાવ્યા મુજબ, શાળામાં હાલ ધોરણ ૯ અને ૧૦માં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. મર્યાદિત બેઠકો હોવાથી “વહેલા તે પહેલા”ના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા આગામી તા. ૧ લી જુન સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે શ્રી અલ્પેશભાઈ કપુપરા, ફોન નંબર: ૯૯૭૮૩ ૯૦૬૦૦ ઉપર સંપર્ક સાધી શકાશે.

મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાજકોટને આધુનિક શિક્ષણ પૂરું પાડતી શાળા ઉપલબ્ધ કરાવાઈ છે ત્યારે, શ્રેષ્ઠ શિક્ષણ માત્ર ઊંચી ફી આપી મેળવી શકાય છે તે માત્ર એક પૂર્વધારણા હોવાનું જણાવી આ શાળાની અચૂક મુલાકાત લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!