
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે, જેમાં છેલ્લા ચાર મહિનામાં અકસ્માતના ગુનાઓમાં ૫૬.૭૫ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવની રાહબરી હેઠળ પોલીસની ટીમો દ્વારા અકસ્માતો રોકવા માટે વિશેષ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતુ.આ કામગીરીનું સતત મોનિટરિંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી દ્વારા કરવામાં આવ્યું હતુ, જેના પરિણામે તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૦/૦૪/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન ફેટલ અકસ્માતના ગુનાઓમાં ૩૮ ટકાનો અને ગંભીર તથા સામાન્ય અકસ્માતના ગુનાઓમાં ૮૧.૨૫ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલીકરણ માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા BNS-281 અને MV ACT-185 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા BNS-281 અંતર્ગત કુલ ૧૯૧ કેસો નોંધવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ ૭૯ કેસોનો વધારો સૂચવે છે. તેવી જ રીતે, ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સામાં MV ACT-185 હેઠળ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૯ કેસો દાખલ કરવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીમાં ૩૬ કેસો વધારે છે. આ સિવાય ટ્રાફિક ભંગના અન્ય વિવિધ હેડ હેઠળ કુલ ૬,૬૪૭ કેસો કરીને પોલીસે કુલ ૧૩,૮૯,૯૦૦/- રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં આહવા, વધઇ, સાપુતારા અને સુબીર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આમ, ડાંગ જિલ્લા પોલીસની આ અસરકારક કામગીરીને કારણે અકસ્માતોના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે..
તસ્વીર:- પ્રતિકાત્મક





