AHAVADANG

વાંસદાના દંડકવન આશ્રમમાં ૧૧મો વાર્ષિક મહોત્સવ: ભવ્ય શોભાયાત્રા,મહાયજ્ઞ અને સંતવાણીથી ગુંજશે વાંસદા નગર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. ૧૬ અને ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ ૧૧મો વાર્ષિક મહોત્સવ ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવવામાં આવશે. વિહંગમ યોગ સંત સમાજ દ્વારા વાંસદા સહિત આસપાસના ગામોના ભક્તજનોને આ પાવન પ્રસંગે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તા. ૧૬ એપ્રિલ, ગુરુવારના રોજ વાંસદા ગામના ગાંધી મેદાનથી દંડકવન આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે. ઢોલ-નગારા અને ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ વચ્ચે આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ ફૂલોની પુષ્પવર્ષા કરીને આચાર્ય પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. સાંજે સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ દ્વારા દિવ્યવાણીનું આયોજન રાખવામાં આવ્યું છે.

તા. ૧૭ એપ્રિલ, શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ૧૧૦૦ કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે, જે આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ બનાવશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગ્યે સંત શ્રી નામદેવજી મહારાજની સંતવાણી અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વતંત્રદેવજી મહારાજ દ્વારા અમૃતવાણીનું આયોજન થશે.

ઉત્સવ દરમિયાન ભક્તજનો માટે સવાર-સાંજ નાસ્તો તથા બપોરે અને સાંજે મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દંડકવન આશ્રમ દ્વારા તમામ ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજર રહી ધર્મલાભ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. સ્થળ: દંડકવન આશ્રમ, વાંસિયા તળાવ, વાંસદા

Back to top button
error: Content is protected !!