AHAVADANG

ડાંગ 181 અભયમ ટીમ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપી માતાનું બાળકી સાથે મિલન કરાવ્યુ..

 

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર એક મહિલાનો કોલ પ્રાપ્ત થયો હતો.કોલ દરમિયાન મહિલાએ જણાવ્યું હતુ કે તેમની બે વર્ષની બાળકી તેમના સાસરી પક્ષ દ્વારા પોતાની પાસે રાખવામાં આવી છે અને તેમને બાળકીને મળવા અથવા પોતાની પાસે પરત લાવવા આપવામાં આવતી નથી.કોલ મળતાની સાથે જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની વિગતવાર માહિતી મેળવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા અને તેમના પતિ છેલ્લા ત્રણ વર્ષથી પતિ-પત્ની તરીકે સાથે રહે છે અને તેમને બે વર્ષની બાળકી છે.પારિવારિક મતભેદો તથા ઘરકામ સંબંધિત નાની-મોટી બાબતોને કારણે ઘરમાં વારંવાર વિવાદો થતા હતા. છેલ્લા બે દિવસથી મહિલાને તેમના સાસરીમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી તેમજ તેમની નાની બાળકીને સાસરી પક્ષ દ્વારા પોતાની પાસે રાખવામાં આવી હતી.મહિલા જ્યારે પોતાની બાળકીને પરત લેવા માટે ગયા ત્યારે તેમને “બાળકી પર અમારો હક છે” કહી બાળકીને સોંપવામાં આવતી ન હતી. ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા મહિલાના પતિ તેમજ સાસરી પક્ષનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ અને પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું કે દરેક મહિલાને સન્માનપૂર્વક અને સુરક્ષિત રીતે જીવન જીવવાનો અધિકાર છે. તેમજ બાળકના હિત અને તેના યોગ્ય ઉછેરને કાયદા હેઠળ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે. સામાન્ય રીતે નાની ઉંમરના બાળકના ઉછેર, સંભાળ અને માતૃત્વની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માતાના હિતને પણ મહત્વ આપવામાં આવે છે. જો બાળકની કસ્ટડી (કબજો) બાબતે કોઈ વિવાદ ઉભો થાય, તો આવી બાબતો બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને કાયદાકીય પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે.ટીમ દ્વારા વધુમાં સમજાવવામાં આવ્યું કે પારિવારિક વિવાદોને ઝઘડા કે મતભેદ દ્વારા નહીં પરંતુ ચર્ચા, સમજણ અને પરસ્પર સહમતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જરૂરી છે. કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ બાળકીને માતાને સોંપવામાં આવી હતી તેમજ પારિવારિક મતભેદો દૂર કરી પતિ-પત્ની બંનેએ શાંતિપૂર્ણ અને સુખમય જીવન જીવવાની સંમતિ વ્યક્ત કરી હતી.આમ મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે 181 અભય મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પારિવારિક ઝઘડાનુ સુખદ સમાધાન કરી બાળકીનું માતા સાથે મિલન કરાવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!