AHAVADANG

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા વઘઇનો ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.સતત વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે ડાંગ જિલ્લાની નાની-મોટી નદીઓ અને નાળાઓ છલકાયા છે. ખાસ કરીને અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીની ભારે આવક થતાં વઘઈ નજીક આવેલો પ્રખ્યાત ગીરા ધોધ તેના રૌદ્ર અને વિકરાળ સ્વરૂપમાં આવી ગયો છે.ચોમાસાની ઋતુ દરમિયાન ડાંગ જિલ્લો પ્રકૃતિના સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠે છે.હાલમાં ભારે વરસાદને કારણે સમગ્ર પંથકનું વાતાવરણ અત્યંત આહલાદક અને નયનરમ્ય બન્યું છે. ગીરા ધોધનો આ મનમોહક નજારો અને પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા માટે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. ધોધ હાલમાં બે કાંઠે વહી રહ્યો છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ જોવા મળી રહ્યો છે.ગીરા ધોધના વિકરાળ અને રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને અને પ્રવાસીઓને ધોધની નજીક ન જવા માટે કડક અપીલ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અપ્રિય કે અણધારી ઘટના ન ઘટે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ધોધની આસપાસ અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે .પ્રવાસીઓને માત્ર દૂરથી જ આ મનોહર દ્રશ્યોની મજા લેવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!