
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

અંતરિયાળ વિસ્તારોમાં પાણી અને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા ચાલી રહેલા કામોની સમીક્ષા, સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના
ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા જળ સંચય, સિંચાઈ અને પાણી પુરવઠાના વિકાસકાર્યોની સમીક્ષા કરવા રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે ચેકડેમ, વિયરો, ડેમ ડી-સીલ્ટીંગ અને તાપી-ડાંગ બલ્ક પાઇપલાઇન યોજનાના કામોનું નિરીક્ષણ કરીને કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ વઘઈ તાલુકાના ખાતળ ગામે નિર્માણાધીન ખાતળ-3 ચેકડેમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આહવા તાલુકાના હનવંતચોન્ડ અને ઘુબીટા ગામોમાં તાપી-ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના હેઠળ બની રહેલા સંપનું નિરીક્ષણ કરી પાણી સંગ્રહ અને પુરવઠા વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ઉપરાંત ઘોઘલી ઘાટ વિસ્તારમાં રૂ. 57.47 કરોડના ખર્ચે નિર્માણ પામનારા પાંચ વિયરોના સ્થળોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ડાંગ જેવા ડુંગરાળ અને આદિવાસી વિસ્તારોમાં પાણી અને સિંચાઈની સુવિધાઓ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. ચેકડેમ અને વિયર જેવા જળસંચયના માધ્યમોથી ખેડૂતોને પિયત અને બાગાયતી ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. તેમણે તમામ કામો ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓ અને ઇજારાદારોને સૂચના આપી હતી.
પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ ભીષ્યા ડેમ ખાતે ચાલી રહેલી ડી-સીલ્ટીંગ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. ડેમની સંગ્રહ ક્ષમતા વધારવા હાથ ધરાયેલા આ કાર્યથી પીવાના પાણીની ઉપલબ્ધિમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
વાહુટિયા-1 વિયરની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ તેની જળસંગ્રહ ક્ષમતા અને ખેડૂતોને મળતા લાભોની માહિતી મેળવી હતી. હાલ આ વિયર પાણીથી ભરપૂર હોવાને કારણે આસપાસના વિસ્તારમાં પિયત અને બાગાયતી ખેતીને લાભ મળી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જળ સંચયના સ્થાયી ઉકેલો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ જિલ્લાના વિવિધ જળસંપત્તિ અને પાણી પુરવઠા સંબંધિત કાર્યોની સમીક્ષા કરીને વિકાસકાર્યોની ગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામિત તેમજ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




