
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જળસંકટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના અંદાજિત ૩૧૧ જેટલા ગામોમાં પીવાના શુદ્ધ પાણીની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર જનસમસ્યાને વાચા આપવા માટે બહુજન સમાજ પાર્ટી (BSP) ના ડાંગ જિલ્લા પ્રમુખ મહેશભાઈ જી. આહિરે દ્વારા આહવા મામલતદારને એક લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે. જેના કારણે ગ્રામીણ જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પીવા માટે પાણી મેળવવા દૂર-દૂર સુધી રઝળપાટ કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં હેન્ડપંપો અને બોરવેલ ખરાબ હાલતમાં છે અથવા તો પાણીની ટાંકીઓ બંધ અવસ્થામાં હોવાથી લોકોને પૂરતું પાણી મળી શકતું નથી. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો છેલ્લા ઘણા દિવસોથી પાણી પહોંચ્યું જ ન હોવાની ફરિયાદો ઉઠી છે.બહુજન સમાજ પાર્ટી દ્વારા વહીવટીતંત્ર સમક્ષ કેટલીક માંગણીઓ કરવામાં આવેલ છે.જેની વાત કરીએ તો પાણીની અછત ધરાવતા તમામ ૩૧૧ ગામોમાં તાત્કાલિક અસરથી પાણીના ટેન્કરો દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે,જિલ્લામાં બંધ પડેલા હેન્ડપંપ, બોરવેલ અને પાણીની પાઈપલાઈન કે ટાંકીઓનું તાત્કાલિક મરામત કામ શરૂ કરવામાં આવે.પાણીની વધુ અછત હોય તેવા ગામોની યાદી બનાવી તેને પ્રાથમિકતાના આધારે સુવિધા પૂરી પાડવામાં આવે.ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે.ચાલુ ઉનાળાની સીઝન પૂર્ણ થાય ત્યાં સુધી ગામડાઓમાં નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે.આ આવેદનપત્રના અંતે મહેશભાઈ આહિરેએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, પાણી એ લોકોનો મૂળભૂત અધિકાર છે અને જો વહીવટીતંત્ર દ્વારા લોકહિતમાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનાત્મક માર્ગ અપનાવવામાં આવશે. આ રજૂઆતની નકલ ડાંગ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ રજૂઆત બાદ ડાંગના તરસ્યા ગામડાઓની તરસ છિપાવવા માટે કેટલી ઝડપે કાર્યરત થાય છે.





