
કર્ણાટકમાં જ્વેલરી શોપમાંથી ચોરી કરી ભાગેલા આંતરરાજ્ય ચોરીના આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ
તાહિર મેમણ – ડેડીયાપાડા – -:17/08/2026 – ડેડીયાપાડા : કર્ણાટક રાજ્યના બિદુર ખાતે આવેલી જ્વેલરી શોપમાંથી ચોરી કરી ફરાર થયેલા અને આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં ડેડીયાપાડા પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત અંદાજે રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શ્રી સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રીમતી વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદા તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચના અને માર્ગદર્શનના આધારે તા.14/08/2026ના રોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન શંકાસ્પદ જણાતી હ્યુન્ડાઈ કંપનીની i20 કાર નંબર MP.05.CB.3246ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
કારની તપાસ દરમિયાન તેમાંથી ચાંદી તથા ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના અલગ-અલગ પ્રકારના ઘરેણાં, નાની-મોટી મૂર્તિઓ તેમજ દિવાળી શણગાર માટે ઉપયોગમાં લેવાતો વિવિધ સામાન મળી આવ્યો હતો. આ સામાન અંગે કારમાં સવાર શખ્સોની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ નહીં મળતાં પોલીસને શંકા ગઈ હતી.
પોલીસ દ્વારા બંને શખ્સોની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલે આંતરરાજ્ય ચોરીનો ભેદ ખુલ્યો હતો. પોલીસ તપાસમાં આ સામાન કર્ણાટક રાજ્યના બિદુર ખાતે આવેલી જ્વેલરી/સોનાની દુકાનમાંથી ચોરી કરવામાં આવ્યો હોવાનું અને આરોપીઓ ચોરી કર્યા બાદ પોતાના વતન તરફ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
ડેડીયાપાડા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i20 કાર નંબર MP.05.CB.3246, જેની અંદાજિત કિંમત રૂ.3 લાખ, તેમજ ચોરીનો અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એસ.શિરાઝના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. માંડવા, સેજપુર, મરચીયાપાડા, બાલાજી ઢાબા સહિત આજુબાજુના ગામો અને જંગલ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા કર્ણાટક રાજ્યમાં ચોરીને અંજામ આપ્યા બાદ મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી પોતાના વતન તરફ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે ડેડીયાપાડા પોલીસની સતર્કતા અને વાહન ચેકિંગના કારણે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા.
પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીની ઓળખ નરેન્દ્ર ઉર્ફે રામસા પ્રભુજી ગુર્જર, રહે. બ્યાવર, રાજસ્થાન તરીકે થઈ છે, જ્યારે અન્ય આરોપી પણ રાજસ્થાનના બ્યાવર વિસ્તારનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અન્ય કોઈ રાજ્ય કે જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ડેડીયાપાડા પોલીસે આંતરરાજ્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




