શહીદ જવાનોના પરિવારજનોના કલ્યાણ માટે દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.૧૪ લાખની સહાય અર્પણ.
નાગરિકોને શહીદ જવાનોના પરિવારજનોના કલ્યાણ માટે ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૬ નવેમ્બર : માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે દીનદયાલ પોર્ટ ઓથોરીટી,ગાંધીધામ તરફથી રૂ. ૧૪ લાખનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ રૂ. ૧૨ લાખની માતબર સહાય આ ફંડમાં પોર્ટ દ્વારા આપવામાં આવી હતી. તેઓના આ નિરંતર સહયોગને બિરદાવવા આ પ્રસંગે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા તથા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારીશ્રી એચ.એન.લીમ્બાચીયાએ ટ્રોફી આપી સન્માન સાથે આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.નાગરિકો સૈનિક કલ્યાણ માટે ફાળો જિલ્લાની સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી(ફોન- ૦૨૮૩૨-૨૨૧૦૮૫) રૂમ નં.૧૧૪, બહુમાળી ભવન, ભુજ ખાતે રૂબરૂમાં રોકડ, ચેક, અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ, કલેક્ટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજના નામનો બનાવી જિલ્લાની સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી ખાતે જમા કરાવી શકશે તેમ મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનવર્સવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.