ઘરેલું હિંસાથી પીડિત પરણિતાને મદદરૂપ થતું દ્વારકા જિલ્લાનું પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર
મહિલાના પતિ દ્વારા ચારિત્રની શંકા કરી મારઝૂડ કરતા હોવાની ફરિયાદ બાદ કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલું પ્રશ્નોથી પીડાતી મહિલાઓની સહાયતા કરવા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્રો) શરૂ કરવામાં આવેલ છે. આ કેન્દ્રો પર તાલીમ પામેલા કાઉન્સેલર દ્વારા ઘરેલું ઝઘડાઓ સબંધી બાબતોમાં કાઉન્સેલિંગની સેવાઓ પુરી પાડવામાં આવે છે. એવા જ કેન્દ્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જામ ખંભાળીયા અને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે. પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા વર્ષ ૨૦૨૪ – ૨૫માં ૯૦ કેસોમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે.
હાલમાં જ દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિના ત્રાસથી રક્ષણ મેળવવા સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આ મહિલાને ત્યાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ખાતે માર્ગદર્શન માટે મોકલવામાં આવ્યા હતા. મહિલાના પતિ દ્વારા ચારિત્રની શંકા કરી મારઝૂડ કરતા હોવાનો અને માનસિક ત્રાસ આપતા હોવાનાં આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો હતો. મહિલાની આપવીતી સાંભળીને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર નિકેતાબેન મીન અને કાજલબેન ભારથી દ્વારા મહિલાના પતિ અને ઘરના વડીલો સાથે પરણિતાની મુશ્કેલી અંગે ચર્ચા કરી મહિલા પર આચરવામાં આવતી હિંસાનો કાયમી ઉકેલ આવે અને તેમનો ઘર સંસાર સુખેથી ચાલે એ માટે તમામનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંને કાઉન્સેલરનાં સફળ પ્રયાસોથી પરિણીતાની મુશ્કેલીનો અંત આવ્યો હતો. આ કેસમાં સુખદ સમાધાન થતાં મહિલાએ પોલીસ અને પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રનાં કાઉન્સેલરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, આ સેન્ટર દ્વારા એક પરિવાર તૂટતા બચાવાવમાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાનાં અધ્યક્ષ સ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની દેખરેખ સમિતિની બેઠક હાલમાં જ યોજાઈ હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી દ્વારા ઘરેલું પ્રશ્નોનો સામનો કરતી તમામ મહિલાઓને મહિલા સહાયતા કેન્દ્રની સેવાઓનો લાભ મળે એ રીતે પોલીસ વિભાગ અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.