Rajkot: રાજકોટની આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

તા.૨૫/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જામનગર રોડ, રાજકોટ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ના પ્રવેશ સત્ર માટે વિવિધ વ્યવસાયિક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગેશ્વર મંદિર પાસે, શેઠનગરની સામે આવેલી આ સરકારી સંસ્થામાં પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ ભરવા તથા સ્વીકારવાની કામગીરી હાલ કાર્યરત છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), વાયરમેન, મિકેનિક ડીઝલ, ફિટર, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, એટેન્ડન્ટ ઓપરેટર ઇન કેમિકલ પ્લાન્ટ, કોસ્મેટોલોજી અને ડ્રેસ મેકિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે. ડ્રેસ મેકિંગ સિવાયના તમામ કોર્સ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ રાખવામાં આવી છે, જ્યારે ડ્રેસ મેકિંગ માટે ધોરણ ૮ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે. વાયરમેનનો કોર્સ બે વર્ષનો અને એ સિવાયની તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે. આ તાલીમ યુવાનોને ટેકનિકલ કૌશલ્ય પ્રદાન કરી રોજગારીની નવી તકો પૂરી પાડશે.
પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ તા. ૨૩ જૂન સુધીમાં ઓનલાઈન પોર્ટલ https://itiadmission.gujarat.gov.in પર જઈને પોતાનું ફોર્મ ભરવાનું રહેશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ભાઈઓ અને બહેનો જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા દરમિયાન સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો આઈ.ટી.આઈ.ના હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવા અથવા મોબાઈલ નંબર ૯૯૭૯૭ ૧૧૮૯૬ કે ૯૪૨૭૨ ૧૩૪૪૬ પર સંપર્ક કરી શકે છે, તેમ આઈ.ટી.આઈ.-રાજકોટની યાદીમાં જણાવાયું છે.




