RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

તા.૨૨/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ખેડૂતો વર્ષ ૨૦૨૬-૨૭માં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ આઇ-ખેડૂત પોર્ટલ પર કરી શકશે. જેમાં મહિલા વૃત્તિકા તાલીમ, માળી તાલીમ, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનું વાવેતર, રાઈઝોમેટીક (આદુ-હળદર) પાકોને પ્રોત્સાહન તેમજ ફળ પાકોમાં ફિલ્ડ કવર જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો તા. ૦૮ જૂન, ૨૦૨૬ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર અરજી કરી શકશે.

આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અરજી કરતી વખતે માંગ્યા મુજબના તમામ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરી, અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી લાભાર્થીએ પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજનાની મંજૂરી મળ્યા બાદ, ક્લેઈમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટની નકલ પર સહી કરીને જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે, જ્યારે તાલીમ ઘટકોના કિસ્સામાં આ દસ્તાવેજો તાલીમ દરમિયાન રજૂ કરવાના રહેશે. આ અંગે વધુ વિગત કે માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩, જિલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ટેલિફોન નંબર: ૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!