
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ગાયત્રી સંસ્કારધામ ખાતે પ્રજ્ઞા પુરાણ કથાનો ભક્તિમય સમાપન, કથારસનું પાન, ગાયત્રી પ્રાર્થના પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન
જ્યોત્સ્નાબેન મહેતાએ ભાવવિભોર શૈલીમાં કરાવ્યું કથારસનું પાન, ગાયત્રી પ્રાર્થના પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન
ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા આયોજિત ગાયત્રી સંસ્કારધામ ખાતે તા. 25 થી 28 જુલાઈ દરમિયાન આયોજિત પ્રજ્ઞા પુરાણ કથાનો ભક્તિમય માહોલ વચ્ચે સમાપન થયો હતો. જામનગરના પ્રખર વક્તા જ્યોત્સ્નાબેન મહેતાએ પોતાની સરળ, ઓજસ્વી અને ભાવવિભોર શૈલી દ્વારા પ્રજ્ઞા પુરાણના જીવનોપયોગી પ્રસંગોનું રસપાન કરાવી ઉપસ્થિત ભાવિકોને આધ્યાત્મિક ચિંતન અને સંસ્કારનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો.
ચાર દિવસ સુધી ચાલેલી આ કથામાં ગાયત્રી પરિવારના પરિજનો તેમજ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ વેદમંત્રોના નાદ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું.આ પવિત્ર કથાના મુખ્ય યજમાન કાંતિભાઈ કોહ્યાભાઈ પટેલ પરિવાર રહ્યા હતા. કથાના સમાપન પ્રસંગે ‘ગાયત્રી પ્રાર્થના’ પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન પૂજ્ય શ્રીમતી જ્યોત્સ્નાબેન મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસર સૌ માટે ગૌરવ અને આનંદની ક્ષણ બની રહ્યો હતો.
કાર્યક્રમના અંતિમ તબક્કામાં તા. 29 જુલાઈના રોજ ગુરુપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવંદના, પૂજન અને આશીર્વચન સાથે સમગ્ર કાર્યક્રમનું પૂર્ણાહુતિ સમારોહ યોજાશે.ગાયત્રી સંસ્કારધામ ખાતે યોજાયેલ આ પ્રજ્ઞા પુરાણ કથાએ સમાજમાં સંસ્કાર, સદાચાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.






