શહેરાની ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ યોજાઈ:
વિદ્યાર્થીઓએ સર્ચ એન્ડ રેસ્ક્યુ અને પ્રાથમિક સારવારની કળા શીખી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત સર્ચ એન્ડ રેસ્ક્યુ, પ્રાથમિક સારવાર તેમજ માનસિક સારવાર અંગેના એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોક ઠાકરે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવ કામગીરી કરવા માટેનું મહત્વપૂર્ણ પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમ દરમિયાન ટ્રેનર દ્વારા વિવિધ પ્રકારની રેસ્ક્યુ પદ્ધતિઓ, સી.પી.આર. (CPR), ફર્સ્ટ એઇડ, બેન્ડેજિંગ, ફ્રેક્ચર મેનેજમેન્ટ તેમજ ફૂડ પોઇઝનિંગના સમયે આપવામાં આવતી તાત્કાલિક સારવાર અંગે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. વિશેષ રૂપે, ભૂકંપ જેવી કુદરતી આપત્તિ વખતે મકાન ધરાશાયી થાય ત્યારે સુરક્ષિત રીતે અંદર પ્રવેશ કરી ફસાયેલી વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરીનું જીવંત પ્રદર્શન (ડેમોન્સટ્રેશન) કરવામાં આવ્યું હતું.
પોતાના રેસ્ક્યુ ક્ષેત્રના અનુભવો અને વ્યવહારુ જ્ઞાન વહેંચતાં ત્રિલોક ઠાકરે જણાવ્યું હતું કે આપત્તિના મુશ્કેલ સમયમાં યોગ્ય તાલીમ અને ઝડપી નિર્ણય શક્તિ અનેક લોકોના કિંમતી જીવન બચાવી શકે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાયોગિક તાલીમ મેળવીને આપત્તિ વ્યવસ્થાપન અંગે ઉપયોગી જ્ઞાન મેળવ્યું હતું.







