જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતિની બેઠક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને ભારત સરકારના ટેલિકોમ વિભાગના એડીજી શ્રી આશિષ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ

જિલ્લા સ્તરીય ટેલિકોમ સમિતિની બેઠક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને ભારત સરકારના ટેલિકોમ વિભાગના એડીજી શ્રી આશિષ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ
*
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વેગ આપવા બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
*
4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ બાકી રહેલી જમીન ફાળવણીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા વહીવટી તંત્રની કટિબદ્ધતા
*
કેન્દ્ર સરકારના ફ્લેગશિપ ટેલિકોમ પ્રોજેક્ટ્સની સમીક્ષા: સાબરકાંઠાના દરેક ગામ સુધી હાઈ-સ્પીડ નેટવર્ક પહોંચાડવાનું આયોજન
*
હિંમતનગર : 17 જુલાઈ 2026
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT), ગુજરાત એલ.એસ.એ. ના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી આશિષ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ટેલિકોમ માળખાકીય પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને ભારત સરકારના સંચાર મંત્રાલયની વિવિધ યોજનાઓના અમલીકરણને વેગ આપવાનો હતો.
સાબરકાંઠા જિલ્લામાં આયોજિત કુલ 48 પૈકી બાકી રહેલા 20 સ્થળો માટે જમીન ફાળવણીની કામગીરીને અગ્રતા આપવા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે આ પ્રોજેક્ટના સમયસર અમલીકરણ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જમીન સંપાદન સાથે જોડાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવીને આગામી ટૂંક સમયમાં બાકીના સ્થળોએ ટેલિકોમ ટાવરની સ્થાપના કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી જિલ્લાના અત્યાર સુધી કનેક્ટિવિટીથી વંચિત રહેલા છેવાડાના ગામો સુધી સીમલેસ હાઈ-સ્પીડ 4G સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.
ટેલિકોમ વિભાગ દ્વારા આગામી સમયમાં જિલ્લા કક્ષાના વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ‘કોલ બીફોર યુ ડિગ’ (CBuD), ‘રાઈટ ઓફ વે’ (RoW), ‘સંચાર સાથી’ પોર્ટલ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ (EMF) જાગૃતિ જેવા વિષયો પર નાગરિકોને માહિતગાર કરવામાં આવશે.
ટેલિકોમ વિભાગે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા પુનરોચ્ચાર કરી છે. આ સહયોગી અભિગમ દ્વારા સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના દરેક ગામમાં મજબૂત ડિજિટલ નેટવર્ક સુનિશ્ચિત કરવામાં આવશે. ટેલિકોમ માળખાકીય સુવિધાઓનો વિકાસ થવાથી માત્ર સંદેશાવ્યવહાર જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ઓનલાઇન સરકારી સેવાઓનો લાભ ગ્રામીણ જનતા સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ એચ. પી. પટેલ,અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ક્રિષ્ના વાઘેલા, ટેલિકોમ વિભાગના ડાયરેક્ટર ડૉ. કે. બી. શર્મા, અને વન વિભાગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ટેલિકોમ માળખાના વિકાસમાં નડતા અવરોધો દૂર કરવા અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




