નવસારી:અષ્ટગામની ત્રણ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ ૧૦૨ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવ્યો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીના, પરિવારના, રાજ્ય અને દેશના ઉજ્જવળ સશક્ત સમાજનો પણ ઉત્સવ:
– પરેશભાઇ દેસાઈ
જીવનમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા
‘આવો બનાવીએ શાળપ્રવેશ ઉત્સવને સમાજ ઉત્સવની ’ થીમ પર આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈએ નવસારી તાલુકાના અષ્ટગામની કુલ ત્રણ પ્રાથમિક શાળાઓમાં કુલ ૧૦૨ ભૂલકાઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈએ શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, સ્કુલબેગ સાથે સ્ટેશનરી સામગ્રી સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને જીવનમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના શાળાપ્રવેશને યાદગાર બનાવવા ભૂલકાઓને ભેટ આપી હતી.
આ પ્રસંગે પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે એ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે. વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવને ઉત્સવમાં રૂપમાં ઉજવવાની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોને ગર્વ થાય અને હોંશે-હોંશે શિક્ષણ મેળવવા શાળાએ જાય એવા પ્રયાસો કર્યા હતા, જેના ઉત્સાહજનક પરિણામો મળી રહ્યા છે.
વધુમાં શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણનો ઉત્સવ નથી. પણ સશક્ત સમાજના ઘડતરનો મજબુત પાયો છે જે વિદ્યાર્થીના, તેના પરિવારના, આપણા રાજ્ય અને દેશના ઉજ્જવળ સમાજનો પણ ઉત્સવ છે એમ જણાવી પરિવારને ગર્વ થાય અને સમાજ તેમજ દેશને ઉપયોગી થાય એવી કારકિર્દીમાં બાળકોને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ શાળાની સ્કુલ મેનજમેન્ટ કમિટીના વાલીશ્રીઓ સાથે શાળાના ભવિષ્ય માટે ચર્ચા તથા અભિપ્રાયો મેળવ્યા હતા .
નવસારી તાલુકાની અષ્ટગામ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૧૭ , આંગળવાડીમાં ૨૫ અને ધો-૧ માં ૧૯ , ભૂલા ફળીયા પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૧૮ , આંગળવાડીમાં ૧૭ અને ધો-૧ માં ૧૫ અને બોરીયાય પ્રથામિક શાળાની બાલવાટિકામાં ૦૭ , આંગળવાડીમાં ૦૪ અને ધો-૧ માં ૦૧ એમ કુલ ૧૦૨બાળકોને પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈએ શાળામાં પ્રવેશ સહ નામાંકન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટ અને શાળામાં દાન આપનાર દાતાઓ અને તેજસ્વી સિદ્ધિપ્રાપ્ત બાળકોનું પ્રમુખશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કર્યું હતું. સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃત્તિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડી.એમ.પંડ્યા , શાળાના કર્મચારીઓ , ગામના સરપંચશ્રીઓ, ગામના મુખ્ય આગેવાનો તથા વાલીઓ, ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.



