જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના જતન સાથે અચૂક મતદાનનો આગવી રીતે સંદેશ આપવામાં આવ્યો છે.ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન- SVEEP અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોને રોપો આપીને મતદાન માટે વિશેષરૂપે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પણ રોપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ, વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ ઉપર આયોજિત આ કાર્યક્રમમાં પ્રકૃતિના સંરક્ષણ અને લોકશાહીના પ્રાણરૂપ મતદાન અધિકારને અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો.આ તકે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરશ્રી હીરાલાલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને પ્રકૃતિ પર્યાવરણ અને મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલારંગ નાટ્ય મંદિરના ગ્રુપે એક મતથી શું ફેર પડે? અને દેશને ઉન્નતિની રાહ પર લઈ જવા સાથે મળી મતદાન કરીએ તથા જન્મદિવસની વૃક્ષ વાવીને આગવી રીતે ઉજવણી કરવા માટેના વિચારોને કેન્દ્રમાં રાખીને નાટક રજુ કરવામાં આવ્યું હતું. આમવૃક્ષ વાવેતર અને અવશ્ય મતદાન કરવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સપ્તક કલાવૃંદે પણ ગીત સંગીતની પ્રસ્તુતિ આપી મતાધિકારના ઉપયોગ માટે સજાગ કર્યા હતા.આ પ્રસંગે સ્લીપના નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાયે શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે વિસાવદરના પ્રાંત અધિકારીશ્રી હીરવાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિકમા, ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામના ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ ધાધલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ