AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

errors અસારવા હિન્દી પ્રાથમિક શાળામાં ‘ગુડ ટચ – બેડ ટચ’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, બાળ સુરક્ષા અને સ્વરક્ષણ અંગે વિદ્યાર્થીઓને અપાયો સુરક્ષા મંત્ર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

બાળકોમાં વ્યક્તિગત સુરક્ષા, આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ જિલ્લાના અસારવા સ્થિત હિન્દી પ્રાથમિક શાળા નં. 09 ખાતે ‘ગુડ ટચ – બેડ ટચ’ વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ – હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને સારા અને અયોગ્ય સ્પર્શ વચ્ચેનો તફાવત સમજાવવાનો, પોતાના શરીર પ્રત્યે જાગૃત બનાવવાનો તેમજ કોઈપણ પ્રકારની અસુરક્ષિત પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ પોતાનું રક્ષણ કરી શકે તે માટે તેમને સશક્ત બનાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા મિશન કોઓર્ડિનેટર જીતેશ સોલંકી અને સ્પેશિયલિસ્ટ ઇન ફાઇનાન્શિયલ લિટરેસી હેમલ બારોટે વિદ્યાર્થીઓને તેમની ઉંમરને અનુરૂપ સરળ, રસપ્રદ અને સંવાદાત્મક શૈલીમાં ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. રોજિંદા જીવનમાં બનતી વિવિધ પરિસ્થિતિઓના ઉદાહરણો દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે કયો સ્પર્શ સુરક્ષિત છે અને કયો સ્પર્શ અસ્વીકાર્ય તથા જોખમી હોઈ શકે.

વિદ્યાર્થીઓને પોતાના શરીરના ખાનગી અંગો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ સમજાવવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ દ્વારા અયોગ્ય અથવા અસ્વસ્થતા અનુભવાય તેવો સ્પર્શ કરવામાં આવે તો મૌન ન રહેવું જોઈએ. આવી સ્થિતિમાં તરત જ માતા-પિતા, શિક્ષક, પરિવારના વિશ્વાસુ સભ્ય અથવા અન્ય જવાબદાર વડીલને જાણ કરવી અત્યંત જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન બાળકોને “ના કહો – ત્યાંથી દૂર જાઓ – વિશ્વાસુ વ્યક્તિને કહો”નો સરળ અને અસરકારક સુરક્ષા મંત્ર આપવામાં આવ્યો હતો. આ મંત્ર દ્વારા બાળકોને કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે જોખમી પરિસ્થિતિમાં નિર્ભય બની યોગ્ય પગલાં લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

જાગૃતિ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના સરળ અને સ્પષ્ટ જવાબો આપી તેમની જિજ્ઞાસાનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોને આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરવાની, મદદ માંગવામાં સંકોચ ન રાખવાની અને પોતાની સુરક્ષાને સર્વોપરી માનવાની સમજ પણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે બાળ અધિકારો, વ્યક્તિગત સ્વચ્છતા, સુરક્ષિત વર્તન અને સાયબર સુરક્ષા અંગે પણ સંક્ષિપ્ત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષકોને બાળકો સાથે સતત સંવાદ જાળવી તેમની લાગણીઓ અને વર્તનમાં આવતા ફેરફારો પ્રત્યે સંવેદનશીલ રહેવાની અપીલ કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું હતું કે બાળકોને સુરક્ષિત, આત્મનિર્ભર અને જાગૃત બનાવવાના હેતુથી જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે. બાળ સુરક્ષા અંગે સમાજમાં વ્યાપક જાગૃતિ ફેલાવવા તેમજ બાળકોમાં સ્વરક્ષણની ભાવના વિકસાવવા માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ બાળ સુરક્ષા અંગે જાગૃત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને પોતાના મિત્રો તેમજ પરિવારના સભ્યો સુધી પણ આ મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. શિક્ષકો અને આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા જાગૃતિ કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ, સુરક્ષિત વર્તન અને જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ સમાજમાં બાળ સુરક્ષા પ્રત્યે વધુ સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં મદદરૂપ બનશે.

Back to top button
error: Content is protected !!