AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડતા લો લેવલનાં કોઝવે પાણીમાં ગરક થયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે દિવસ દરમ્યાન કાળાડિબાંગ વાદળોની વચ્ચે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા વિધિવત રીતે ચોમાસાની ઋતુનો આરંભ થયો હોય તેવું જોવા મળી રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ, વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,પીંપરી,બરડીપાડા,સુબિર, સિંગાણા, લવચાલી, પીપલાઈદેવી,ચિંચલી, ગારખડી, આહવા સહીત પૂર્વપટ્ટી અને સરહદીય  ગામડાઓમાં બુધવારે મેઘાની સાર્વત્રિક રીતે ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.બુધવારે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં ધોધમાર વરસાદનાં પગલે ચીખલા સહીત ખાતળ, માછળી,અને દિવડ્યાઆવનને જોડતા કોઝવે પાણીમાં ગરક થઈ જતા થોડાક સમય માટે ચાર ગામો જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા હતા.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા આંતરીક માર્ગો અને જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.તથા ઠેરઠેર જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા.ડાંગ જિલ્લામાં સતત છ દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા, ગીરા અને ધોધડ નદી બન્ને કાંઠે થઈ વહેવા લાગી હતી.સાથે જંગલ વિસ્તારમાં આવેલ ચેકડેમ,વહેળા,ઝરણા,કોતરડાઓ ગાંડાતુર બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે આહવા-વઘઇ માર્ગ પર આવેલ શિવઘાટ ધોધ અને આહવા-સાપુતારા માર્ગ પર આવેલ આંકડાનો ધોધ અખૂટ જથ્થા સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદની સાથે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા દિવસ દરમ્યાન વિઝીબિલિટી ઘટી હતી.જેનાં પગલે 9 કિલોમીટરનાં ઘાટમાર્ગમાં વાહનચાલકોને વાહનોની સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનાં બખા થઈ જવા પામ્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 122 મીમી અર્થાત 4.88 ઈંચ, સુબીર પંથકમાં 90 મીમી અર્થાત 3.6 ઇંચ, વઘઇ પંથકમાં 72 મીમી અર્થાત 2.88 ઈંચ, જ્યારે સૌથી ઓછો સાપુતારા પંથકમાં 45મીમી 1.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!