વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૪ ઓક્ટોબર : રાજ્યપાલશ્રીના હસ્તે યુનિવર્સિટી કેમ્પસમાં નિર્મિત નવા પરીક્ષા ભવન તથા સી.એસ.આર. હેઠળ મળેલા વાહનોનું લોકાર્પણ કરાયું ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૫મો પદવીદાન સમારોહ આજે રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. ૭૯૦૧ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. ૪૦ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા.આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિએ તેમને નમન કરતા જણાવ્યું હતું કે, કચ્છના સપુત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને પણ દેશવીરો તૈયાર કર્યા હતા, તેઓ દેશભક્તિની મિશાલ હતા. તેઓના અસ્થિને વડાપ્રધાનશ્રીએ ભારત લાવી તેમના વતનમાં તેમનું સ્મારક ઉભું કરી તેમને અદકેરું સન્માન આપ્યું છે. શ્યામજી કૃષ્ણવર્માનું જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને રાજયપાલશ્રીએ યુવાઓને ભારતના વિકાસમાં સહયોગ આપવા સત્યપાલન, ધર્મપાલન, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. યુવાઓને વિકસિત, સ્વદેશી, આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તેમણે ઉમેયું હતું કે, ૨૦૪૭ સુધી ભારતને વિકસિત ભારત બનાવવાની જવાબદારી યુવાઓ પર છે ત્યારે માત્ર વૈજ્ઞાનિક દષ્ટિકોણ નહીં પરંતુ સાંસ્કૃતિક વિરાસત પણ આગળ ધપે તે જોવાની જવાબદારી યુવાવર્ગની છે. તેમણે છાત્રોને અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી. દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જડ અને ચેતન બંનેની રક્ષા કરવા જણાવીને ઉમેર્યું હતું કે, પ્રકૃતિના મૂળભૂત તત્વો જડ તથા માતા-પિતા ચેતન છે. બંનેનું જતન કરવાની જવાબદારી નાગરિકોની છે. આજે પ્રકૃતિના નિકંદનના કારણે કુદરતી આપદા વધી છે તેમજ માતા-પિતાનું સન્માન ન જળવાતા વૃધ્ધાશ્રમ પણ વધી રહ્યા છે. ત્યારે શિક્ષિત યુવાઓએ આ બંનેનું જતન કરીને પોતાની જવાબદારીનું વહન કરવું જરૂરી છે. ભૌતિકવાદના રસ્તે જીવનમૂલ્યોને જાળવી રાખી યુવાઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, કર્તવ્યભાવનાને આદર્શરૂપ ગણી વિદ્યાર્થીઓને ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા દર્શાવવા જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિકાસના પથ પર દોડી રહયું છે. ત્યારે સમર્થ – આત્મનિર્ભર ભારત બનાવવા દરેક નાગરિકે સ્વદેશી તરફ પાછા વળવું પડશે. તેમણે ઉપસ્થિતોને વિદેશી વસ્તુઓને ત્યાગીને સ્વદેશીની ખરીદીને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. યુવાઓને તેમણે બ્રાન્ડની માનસિક ગુલામીથી મુક્ત બનીને સ્વદેશી અપનાવી દેશપ્રેમ જાગૃત કરવા કટિબધ્ધ બનવા હાકલ કરી હતી. શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મેળવવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, ભારતીય સંસ્કૃતિને અપનાવી છાત્રોએ અર્જિત કરેલા જ્ઞાનને સમાજમાં જરૂરીયાતમંદ વર્ગ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમણે રાસાયણિક ખેતીના વધતા જતાં વ્યાપથી આરોગ્ય અને પ્રકૃતિને થયેલા નુકશાન અંગે જણાવીને યુવાઓને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી.દીક્ષાંત સમારોહમાં ૪૦ ગોલ્ડ મેડાલીસ્ટોને રાજ્યપાલશ્રીના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી થયેલા ૨૯ છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવસિર્ટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, મોલ, જીમ, કાફેટેરીયા વગેરેના નિમાર્ણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે કચ્છ યુનિવર્સીટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યકત કરી હતી.કાર્યક્રમના પ્રારંભે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવસિર્ટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં નિર્મિત નવા પરીક્ષા ભવન તથા સીએસઆર હેઠળ મળેલા વાહનોનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, રજિસ્ટ્રારશ્રી ડો.અનિલ ગોર, મામલતદારશ્રી તેજશ પટેલ, ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.