
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી – વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં, ઇસરી ગામની મહિલાઓએ વરસાદ માટે હનુમાનજીને જળાભિષેક કરી કરી પ્રાર્થના કરી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી બાદ પૂરતા વરસાદના અભાવે પાક સુકાવાની ભીતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પરંપરાગત રીતે વરસાદ માટે વિવિધ ધાર્મિક માનતાઓ અને પ્રાર્થનાઓનો સહારો લઈ રહ્યા છે.
મેઘરજ તાલુકાના ઇસરી ગામમાં પણ આવી જ એક અનોખી આસ્થાભરી માનતા જોવા મળી હતી. ગામની 50 થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈને પગપાળા કંટાળું હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી. મંદિર ખાતે મહિલાઓએ ભજન-કીર્તન સાથે હનુમાનજીની મૂર્તિ પર પાણીનો અભિષેક કરી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી.મહિલાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે જિલ્લામાં વહેલી તકે સારો વરસાદ વરસે, ખેડૂતોના પાકને જીવનદાન મળે અને સમગ્ર વિસ્તારમાં સુખ-સમૃદ્ધિ આવે. સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહી પ્રાર્થનામાં ભાગ લીધો હતો.વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનો હવે કુદરત મહેરબાન બને અને જલ્દી સારો વરસાદ વરસે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.





