
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ભિલોડામાં જીવલેણ અકસ્માત: માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન મોત, હાઇવા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
અરવલ્લી : ભિલોડા તાલુકાના મલાસા ગામ નજીક ગજાનન હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં માનસિક અસ્થિર મહિલાને હાઇવા ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં ભિલોડા પોલીસમાં હાઇવા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, ભિલોડા તાલુકાના કિશનગઢ (હનુમાન ફળી, ચિંતામણી) ગામના લાલજીભાઈ કકવાજી સમદરભાઈ મેણાતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની બહેન રમીલાબેન, જે છેલ્લા આશરે દસ વર્ષથી માનસિક અસ્થિર હતી અને ઘણી વખત કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી જતી હતી.
તા.10 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે લાલજીભાઈને તેમના કુટુંબી દિનેશભાઈનો ફોન આવ્યો હતો કે મલાસા ગામની સીમમાં ગજાનન હોટલ પાસે એક હાઇવા ટ્રકે રમીલાબેનને ટક્કર મારી છે. અકસ્માતમાં રમીલાબેનને માથા, બંને પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ 108 મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાંજે આશરે 6 વાગ્યે ફરજ પરના તબીબે રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા.બાદમાં ઘટનાસ્થળે પહોંચતા રોડની બાજુમાં એક હાઇવા ટ્રક પલ્ટી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. ટ્રકનો નંબર RJ-27-GB-3189 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે ટ્રક ચાલકે બેદરકારી અને ગફલતપૂર્વક ટ્રક હંકારી રમીલાબેનને ટક્કર મારી, ત્યારબાદ ટ્રક સ્થળ પર છોડીને પોલીસ અથવા હોસ્પિટલને જાણ કર્યા વિના ફરાર થઈ ગયો હતો.આ મામલે ભિલોડા પોલીસે ફરિયાદના આધારે હાઇવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





