
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં આગામી ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો હતો, જેના પગલે ડાંગના ૯૫ ટકા કરતાં વધુ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં ભારે નિરાશા અને રોષ વ્યાપી ગયો હતો.જોકે આ અંગેના અહેવાલ સમાચાર પત્રમાં જાહેર થતાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે.અને હવે ડાંગ જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસના રોજ કાર્યક્રમ યોજાનાર છે.રાજ્યમાં ફક્ત ચાર જિલ્લાઓ – દાહોદ, છોટાઉદેપુર, સુરત (માંડવી), અને વલસાડ – માં જ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે અને અન્ય જિલ્લાઓમાં થનારા કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું, પરંતુ સરકારી સ્તરેથી મળેલી સૂચના મુજબ આ પગલું લેવામાં આવ્યું હતું.ત્યારે ડાંગ જિલ્લાના પ્રાયોજના વહીવટદારે એક પત્ર દ્વારા તમામ જિલ્લા સંકલન અધિકારીઓને જાણ કરી હતી. જોકે બાદમાં આદિવાસી સમાજમાં રોષ અને નારાજગીને લઈને સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા સરકારે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને બીજો નવો પરિપત્ર બહાર પાડ્યો હતો જે નવા પરિપત્રના આધારે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર દ્વારા જિલ્લાના તમામ અધિકારીઓને પત્ર લખીને જણાવવામાં આવ્યું હતું કે ,અગામી ૯ મી ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણી કાર્યક્રમ વડી કચેરીએથી મળેલ સૂચના અનુસાર મોકૂફ રાખવા બાબતે સંદર્ભ હેઠળના પત્રથી જણાવવામાં આવેલ છે. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા નક્કી થયા અનુસાર તમામ જીલ્લાઓમાં સદરહુ કાર્યક્રમો યોજવા અંગે નિર્ણય થઈ આવેલ છે. જેથી ડાંગ જીલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણીનો કાર્યક્રમ આદિવાસી સાંસ્કૃતિક ભવન, આહવા ખાતે આયોજીત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.જે કાર્યક્રમ યથાવત રહેશે. ત્યારે હવે આ સકારાત્મક નિર્ણયને લઈને ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજમાં ખુશી જોવા મળી રહી છે..




