GUJARATKUTCHMANDAVI

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છની ચાર દીકરીઓએ રાજ્યમાં અગ્રસ્થાન હાંસલ કરી કચ્છને ગૌરવ અપાવ્યુ.

શાંતિકુંજ–હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય શિબિરમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા૦૬ જાન્યુઆરી : શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧થી સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને જીવંત અને જાગૃત રાખવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઈતિહાસ, સંસ્કૃતિ, મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના સંસ્કારો વિકસાવવાનો છે. ધોરણ ૫ થી કોલેજ સ્તર સુધી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ- હરિદ્વારના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા નિયમિતપણે યોજાય છે.વર્ષ ૨૦૨૫માં યોજાયેલ રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છ જિલ્લાની ચાર વિધાર્થીનીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં કચ્છનું નામ રોશન કર્યું છે. સનરાઈઝ એકેડમી, ભુજની ધોરણ ૮માં અભ્યાસ કરતી ધ્યાની અલ્પેશભાઈ જાનીએ પ્રથમ ક્રમ, સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણાની ધોરણ ૧૧ની વિધાર્થીની વંશી નિતીનભાઈ ભાનુશાલીએ પ્રથમ ક્રમ, માંડવીની તર્જની શંકરલાલ વ્યાસે પ્રથમ ક્રમ, જયારે એચ.ડી.ડી., ભચાઉની ધોરણ ૧૨ની વિધાર્થીની ગાયત્રી કાનજીભાઈ પ્રજાપતિએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની જાની અને વંશી ભાનુશાલીએ અગાઉ સતત ત્રણ-ત્રણ વર્ષ સુધી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય સ્તરે પહોંચી કચ્છ જિલ્લાને ગૌરવાન્વિત કર્યુ છે અને આ વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. આ ચારેય દીકરીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ શાંતિકુંજ– હરિદ્વાર ખાતે યોજાનારી શિબિરમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતીય સંસ્કૃતિના સંદેશને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. આ તકે એસ.એસ.પી.એ હાઇસ્કૂલ આચાર્ય ડૉ વી.એમ.ચૌધરી,ગોકુલ આર્ટ્સ કોલેજ સ્થાપક ટ્રસ્ટી કૌશિકભાઇ ગોકુલગાંધી, સનરાઈઝ એકેડમી આચાર્યા ભારતીબેન પરમાર તેમજ  એચ.ડી.ડી. કન્યા વિદ્યાલયના આચાર્યા કૃપાબેન પરમારે આવી પરીક્ષા આપવા માટે દિકરીઓને માર્ગદર્શન સહ પ્રેરણા પૂરી પાડેલ હતી. આ સિદ્ધિ બદલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જિલ્લા તેમજ તાલુકા સંયોજકો દ્વારા ચારેય વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા સંયોજક વિષ્ણુભાઈ જોશી, જિલ્લા સમિતિના સંકલનકર્તાઓ હર્ષલ જોશી તથા ધ્રુવભાઈ જાની તેમજ તાલુકા સંયોજકો અલ્પેશભાઈ જાની, નિલિમ્પાબેન મચ્છર, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપકભાઈ તન્ના, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ આપેલ હતી.આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના આચાર્ય ઓ, શિક્ષક ઓ તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોનો પણ નોંધપાત્ર સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો.

Back to top button
error: Content is protected !!