નવસારી: મ્યુઝિક-ન્યૂઝ સ્ટુડિયો’થી 108 સાયન્સ મોડલ્સ સુધી, શિક્ષક નિતિન પાઠકને રાષ્ટ્રીય સન્માન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દુર્ગમ રંગપુર ગામની સરકારી શાળાએ શિક્ષણ ક્ષેત્રે સર્જી અનોખી ક્રાંતિ — ₹1.48 કરોડની લોકભાગીદારીથી શાળાનું થયું સંપૂર્ણ પરિવર્તન
સામાન્ય રીતે સરકારી શાળા એટલે મર્યાદિત સાધનો અને સુવિધાઓની છબી મનમાં ઊભી થાય, પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દુર્ગમ રંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળાએ આ માન્યતાને જ પડકાર આપી દીધો છે. એક શિક્ષકની દૃઢ ઈચ્છાશક્તિ, ગામલોકોનો સહયોગ અને લોકભાગીદારીથી આજે આ શાળા ‘ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ’ તરીકે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.
વર્ષ 2015માં પોતાના ઘરથી 72 કિમી દૂર રંગપુરની આ શાળામાં બદલી થઈને આવેલા આચાર્ય નિતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠકે શાળાની કાયાપલટનું સ્વપ્ન જોયું હતું. શરૂઆતમાં અશક્ય લાગતું આ સ્વપ્ન ગામલોકો અને દાતાઓના સહયોગથી સાકાર થયું. શાળાના વિકાસ માટે આશરે ₹1.48 કરોડનું દાન એકત્ર કરી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
દીકરીઓ કરે છે ન્યૂઝ બુલેટિનનું એન્કરિંગ
આ શાળાની સૌથી આકર્ષક વિશેષતાઓમાંની એક છે તેનું મ્યુઝિક તથા ન્યૂઝ સ્ટુડિયો. અહીં અભ્યાસ કરતી દીકરીઓ હિન્દી ભાષામાં પોતાની શાળાનું ન્યૂઝ બુલેટિન તૈયાર કરી એન્કરિંગ કરે છે. બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ સંચાર કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાની તક મળી રહી છે.
108 વર્કિંગ મોડલ્સ સાથે સાયન્સ સેન્ટર
શાળામાં તૈયાર કરાયેલા 108 વર્કિંગ સાયન્સ મોડલ્સ સાથેનું સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક શિક્ષણની નવી દિશા ખોલે છે. વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી વિજ્ઞાનના વિષયોને સમજવાનો પ્રયાસ કરે છે, જેના કારણે અભ્યાસ વધુ રસપ્રદ અને વ્યવહારુ બની રહ્યો છે.
વર્ગખંડોમાં ટેબ્લેટ, ટચ સ્ક્રીન અને ટેકનોલોજી આધારિત શિક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે દુર્ગમ આદિવાસી વિસ્તારમાં આવેલી સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
365 દિવસનું ગણિત-વિજ્ઞાન કેલેન્ડર અને QR કોડ આધારિત શિક્ષણ
આચાર્ય નિતિનકુમાર પાઠકે પોતે તૈયાર કરેલા 365 દિવસના ગણિત-વિજ્ઞાન કેલેન્ડર તથા QR કોડ આધારિત શિક્ષણ પદ્ધતિને શાળામાં અસરકારક રીતે અમલમાં મૂકી છે. આ નવીન શિક્ષણ પદ્ધતિના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં શાળાના 89 વિદ્યાર્થીઓએ સરકારી મેરિટ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું હોવાનું જણાવાયું છે.
શાળાના શૈક્ષણિક વાતાવરણ અને પરિણામોથી પ્રભાવિત થઈ હવે ખાનગી શાળાઓમાંથી પણ વાલીઓ પોતાના બાળકોને આ સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. એક સમયે સામાન્ય સરકારી શાળા ગણાતી સંસ્થા આજે વાલીઓની પસંદગી બની રહી છે.
શિક્ષક નિતિન પાઠકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો, લોકભાગીદારી અને આદિવાસી બાળકોના ભવિષ્ય ઘડવામાં આપેલા યોગદાન બદલ આચાર્ય નિતિનકુમાર પાઠકની National Teachers’ Award 2026 માટે પસંદગી થઈ છે.
આગામી 5 સપ્ટેમ્બર, શિક્ષક દિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે તેમને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દેશભરમાં પસંદગી પામેલા પ્રાથમિક શિક્ષકોમાં ગુજરાતમાંથી એકમાત્ર ગુજરાતી પ્રાથમિક શિક્ષક તરીકે તેમનું નામ સામે આવતા નવસારી અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે.
દુર્ગમ ગામની સરકારી શાળાને ટેકનોલોજી, પ્રયોગાત્મક શિક્ષણ અને લોકભાગીદારીથી આધુનિક શાળામાં પરિવર્તિત કરવાની નિતિનકુમાર પાઠકની આ સફર માત્ર એક શાળાની કાયાપલટ નથી, પરંતુ ‘એક શિક્ષક ઈચ્છે તો સરકારી શાળાનું ભવિષ્ય બદલી શકે’ તેનું જીવંત ઉદાહરણ છે.


