
તા.૨૬.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limkheda :લીમખેડામાં ડુંગળી-લસણના કટ્ટાની આડમાં છુપાવેલો ₹૨.૮૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કુલ ₹૬.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી લીમખેડા પોલીસ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, લીમખેડાના નાની વાસવાણી ગામના ઉચવાસ ફળિયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. બુટલેગરોએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદેથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે પિકઅપ ગાડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગાડીમાં ડુંગળી અને લસણના કટ્ટાઓ ભરવામાં આવ્યા હતા, જેની આડમાં વિદેશી દારૂ છુપાવેલો હતો.ચાલક ફરાર, લાખોનો મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન પોલીસને જોઈને પિકઅપ ગાડીનો ચાલક વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પિકઅપ ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ ૨,૧૬૦ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૨.૮૯ લાખ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ₹૨.૮૯ લાખનો દારૂ, ₹૩ લાખની કિંમતની પિકઅપ ગાડી અને ₹૫૦ હજારની એક મોટરસાયકલ મળીને કુલ ₹૬.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



