ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શામળાજી પોલીસે બે ટ્રકમાંથી રૂ.1.04 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો – GPS ટેક્નોલોજીથી સજ્જ ટ્રક દ્વારા ગુજરાતમાં દારૂ સપ્લાય થતો હોવાનું ખુલાસો

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી પોલીસે બે ટ્રકમાંથી રૂ.1.04 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો – GPS ટેક્નોલોજીથી સજ્જ ટ્રક દ્વારા ગુજરાતમાં દારૂ સપ્લાય થતો હોવાનું ખુલાસો

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં પોલીસે દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રતનપુર ચેકપોસ્ટ નજીકથી શામળાજી પોલીસે માત્ર 12 કલાકમાં બે અલગ-અલગ ટ્રકમાંથી કુલ રૂ.1.04 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી લઈ બુટલેગરોના નેટવર્ક પર મોટો સપાટો બોલાવ્યો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન રાજ્યને અડીને આવેલ શામળાજી વિસ્તારથી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો નવા-નવા નુસ્ખા અપનાવી રહ્યા છે. શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમી મળતા રાજસ્થાનના ચિત્તોડગઢથી પશુ આહારની આડમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકને રોકી તલાસી લેવામાં આવી હતી.તપાસ દરમિયાન ટ્રકમાંથી પશુ આહારના કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 22,941 બોટલો મળી આવી, જેની કિંમત રૂ.72.29 લાખ આંકવામાં આવી છે. ટ્રક, મોબાઇલ સહિત કુલ રૂ.82.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ટ્રક ચાલક ગણેશ લક્ષ્મણ મીણા (રહે. કરમાત, ડુંગરપુર – રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન દારૂ મંગલવાડના બુટલેગર ધનપાલ રમેશ મીણાએ ભર્યો હોવાનું અને અમદાવાદ પહોંચાડવાનો હોવાનું ખુલ્યું હતું. ટ્રકમાં GPS સિસ્ટમ મળી આવતા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો કે બુટલેગરો રાજસ્થાનમાં બેઠા બેઠા વાહનોનું મોનિટરિંગ કરતા હતા.આ દરમિયાન વધુ એક બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક બટાકાની કટ્ટાની આડમાં દારૂ ભરેલ બીજા ટ્રકને રોકવામાં આવ્યો હતો. તપાસમાં 14,664 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા, જેની કિંમત રૂ.32.26 લાખ છે. ટ્રક, મોબાઇલ અને બટાકા સહિત કુલ રૂ.42.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સુરેશચંદ્ર રામઅવતાર ગુર્જર અને નરેન્દ્રસિંહ બાબુ મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે. આ દારૂ બનહડના બુટલેગર નરેશ હંસરાજ ગુર્જરે ભર્યો હોવાનું ખુલ્યું છે.ઉલ્લેખનીય છે કે બોરનાળા નજીક ત્રણ બાઇક પર આવેલા બુટલેગરો પોલીસે જોઈને રૂ.2.18 લાખ કિંમતનો 13 પેટી દારૂ રોડ પર ફેંકી રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા.કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દ્વારા GPS લગાવી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાની પણ માહિતી સામે આવી છે. સિંઘમ મહિલા PI એસ.એમ. માલની આગેવાનીમાં કરવામાં આવેલી આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે પોલીસ વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!