GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યમાં કૂલ 40,500 લોકોનું સ્થળાંતર, 1100 રસ્તા બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ અને જળબંબાકાર સર્જાયો છે. ત્યારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રને સતત એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ સરકાર તરફથી વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

વરસાદ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા NDRFની 17 ટીમ અને SDRFની 32 ટીમ ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ અને નવસારી જિલ્લામાં આર્મીની બે-બે કોલમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે આર્મીની વધુ ચાર કોલમ રિઝર્વ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્થાનિક તંત્ર સાથે મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 40,500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે 2,637 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવસારી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે.

ભારે વરસાદને કારણે રાજ્યના અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. હાલ રાજ્યમાં અંદાજે 1,100 રસ્તાઓ બંધ છે. જ્યારે સલામતીના કારણોસર ST બસની આશરે 1,600 ટ્રીપ બંધ કરવામાં આવી છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ પરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઓસર્યા બાદ માર્ગો ફરીથી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂરી જણાય ત્યાં જિલ્લા કલેક્ટરને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવાયું છે. જેમાં તાપી અને વલસાડમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે આણંદ, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયાની માહિતી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!