રાજ્યના 35 હજાર દવાની દુકાનના વેપારીઓ 20 મે ના દિવસે હડતાળ કરશે. લોકોને દવાઓ મળશે નહી

રાજ્યમાં દવા વેચાણ સાથે જોડાયેલા અંદાજે 35 હજાર મેડિકલ સ્ટોરના વેપારીઓએ 20 મેના રોજ એક દિવસીય હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે રાજ્યભરમાં તમામ દવાની દુકાનો બંધ રહેશે અને સામાન્ય લોકોને મેડિકલ સ્ટોરમાંથી દવાઓ મળી શકશે નહીં.
વેપારીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા થતી ગેરકાયદે દવા વેચાણની પ્રવૃત્તિ સામે આંદોલન શરૂ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, નિયમોનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન દવાઓ વેચાતા હોવાથી પરંપરાગત મેડિકલ સ્ટોરના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિયેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરી દવાઓ જેમ કે બ્લડ પ્રેશર, થાઈરોઈડ અને ડાયાબિટીસની દવાઓ 19 મે પહેલાં જ ખરીદી લે, જેથી હડતાળના દિવસે મુશ્કેલી ન પડે.
જોકે, આરોગ્ય સેવાઓમાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે ઇમરજન્સી પરિસ્થિતિમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોર અડધા શટરે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
વેપારીઓએ સરકારને ઓનલાઈન ગેરકાયદે દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે અને યોગ્ય નિયમન ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.





