ગાંધીનગરના દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના ઘટી 8 લોકોના મોત
રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર: હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે.
વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.