GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

જાહેર સ્થળો પર હિડન કેમેરા મુકી મહિલાઓના ફૂટેજ વેચવાનું દેશવ્યાપી નેટવર્ક

મહિલાઓના ઔચિત્ય ઉપર કુઠારાઘાત કરતાં ફૂટેજ વેચવાના કેસમાં હોસ્પિટલોના સર્વર હેક કરાયાંના તારણ ઉપર તો સાયબર ક્રાઈમ બ્રાન્ચ આવી ચૂકી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મેરેજ હોલ, બસ સ્ટેશન, મોલના ડ્રેસિંગ રૂમ કે પાર્લરમાંથી પણ મહિલાઓના ફૂટેજ મેળવીને વેચવામાં આવતાં હતાં. શરૂઆતમાં મફત ક્લિપ મોકલી બાદમાં પૈસા પૈસા વસુલી સબસ્ક્રીપ્શન આપીને માત્ર ફૂટેજ નહીં લાઈવ ટેલિકાસ્ટ કરાતાં હતાં.

સલામતીના ઉપયોગ માટે સીસીટીવી લગાવાયેલાં ન હોય તેવા જાહેર સ્થળોના ફૂટેજ હિડન કેમેરા મુકીને મેળવવામાં આવતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. દેશભરમાંથી આ પ્રકારે અલગ અલગ કેટેગરીમાંથી મેળવાયેલા ફૂટેજમાં સંડોવાયેલી ટોળકીના અનેક લોકોનો પર્દાફાશ કરવા અન્ય રાજ્યોની પોલીસ સાથે મળી તપાસ દેશવ્યાપી બનાવી સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં ઘટસ્ફોટ કરશે.

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરાયેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં સાવચેતીપૂર્વક આગળ ધપાવાઈ રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 80 હોસ્પિટલોના સીસીટીવી ફુટેજ વેચાયા હોવાનું શોધી કાઢી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (એફ-2) પણ ઉમેરી છે. હોસ્પિટલના સર્વર હેક કરીને આ ફૂટેજ મેળવીને યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર વેચવામાં આવતાં હતાં.

હોસ્પિટલોનું નેટવર્ક તો સાયબર ક્રાઈમે ભેદી ત્રણ આરોપીને ઝડપી લીધાં છે. પરંતુ સૌથી મોટો સવાલ તો મેરેજ હોલ, બસ સ્ટેશન, ઓપન બાથ, હિડન બાથ, પાર્લર જેવા વીસ પ્રકારના મેનુ કાર્ડ રાખીને વેચાતા મહિલાઓના ફૂટેજનો છે. લગ્ન, બસ સ્ટેશન, મોલના ચેન્જિંગ રૂમ, જાહેર સ્થળોએ સ્નાન અને પાર્લર સહિતના ખાનગી સ્થળોએ સીસીટીવી હોતા નથી. જ્યાં સીસીટીવી લગાવાયેલાં ન હોય તેવી જગ્યાઓના ફૂટેજ મેળવવા માટે હિડન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થઈ ચૂક્યો છે. આ સંજોગોમાં ફૂટેજ વેચવાનું નેટવર્ક ચલાવતાં પકડાયેલા ત્રણ આરોપીઓ ઉપરાંત હિડન કેમેરાથી ફૂટેજ બનાવનારી ટોળકી દેશભરમાં કાર્યરત હોવાની મજબૂત આશંકા છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ નામના સોશિયલ મીડિયા ઉપર ફુટેજવેચતા શખસોને ઝડપી લીધાં છે. નવ દિવસના રિમાન્ડ દરમિયાન સીસીટીવી ન હોય તેવા જાહેર સ્થળોએ હિડન કેમેરા લગાવીને કે અન્ય રીતે ફૂટેજ કઈ રીતે મેળવવામાં આવતા હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા ઔચિત્ય ભંગના કિસ્સામાં ગંભીર બાબત એ છે કે, ફૂટેજ જોવા માટે 800 રૂપિયાથી 4000 રૂપિયા સુધીની કિંમત વસુલી સબસ્ક્રીપ્શન આપતાં આરોપીઓ 8થી 10 લાખ રૂપિયા કમાયાં હોવાનું સ્વિકારે છે. પરંતુ 40 મિલિયનની કમાણી કરી કરોડપતિ બનવાનું તેમનું સપનું હતું. આ પ્રકારે મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવવાનો વિચાર ક્યાંથી આવ્યો? વીડિયો મેળવવા માટે સર્વર હેક કરવા ઉપરાંત હિડન કેમેરાથી વીડિયોગ્રાફી સહિતનું આખું નેટવર્ક ગોઠવવામાં માસ્ટર માઈન્ડ કોણ? તે સૌથી મોટો સવાલ છે. નગ્ન,અશ્લિલ વીડિયો વેચવા માટે મેળવાતાં પૈસા કયા ખાતામાં જતા હતા? વીડિયો જોવા માટેના અલગ અલગ ક્યુઆર કોડ ક્યાં બનાવાતાં અને કોણ બનાવી આપતું હતું તે સહિતના અનેક સવાલો અનુત્તર છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલા ઔચિત્ય મુદ્દે ગોપનિયતા જાળવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે. મહિલાઓમાં સતર્કતા વધે તે માટે આવશ્યક વિગતો જાહેર કરાય તો વિધાનસભામાં સરકારે પીઠ થાબડી તે લેખે લાગી ગણાશે.

Back to top button
error: Content is protected !!