GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ : પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીમાં ચાઈનીઝ તાઈપેઈના બે ખેલાડીઓએ નામે કર્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ

ભારતની કોમલ કોહરે ક્લીન એન્ડ જર્ક અને ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના નામી વેઈટલિફ્ટરોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

આજની આ સ્પર્ધામાં ચાઈનીઝ તાઈપેઈ (TPE) ના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ ટેલીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. સ્નેચ (Snatch) વિભાગમાં વાન લિંગ ફેંગે સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્ક (Clean and Jerk) અને ઓવરઓલ ટોટલ (Total) કેટેગરીમાં યી ચેન હુઆંગે ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠતા સાબિત કરી હતી.

યજમાન ભારત માટે પણ આજનો દિવસ ગૌરવશાળી રહ્યો હતો. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર કોમલ કોહરે ૪૮ કિલો કેટેગરીના ‘ક્લીન એન્ડ જર્ક’ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે જ ‘ઓવરઓલ ટોટલ’ સ્કોરમાં પણ ત્રીજું સ્થાન મેળવી ભારતની ઝોળીમાં બે કાંસ્ય પદક નાખ્યા છે.

૪૮ કિગ્રા (મહિલા વિભાગ)
સ્નેચ (SNATCH)
* સુવર્ણ (Gold): વાન લિંગ ફેંગ / તાઈપેઈ (TPE)
* રજત (Silver): યી ચેન હુઆંગ / તાઈપેઈ (TPE)
* કાંસ્ય (Bronze): રોઝ જીન રામોસ એમિસ / ફિલિપાઈન્સ (PHI)

ક્લીન એન્ડ જર્ક (CLEAN AND JERK)
* સુવર્ણ (Gold): યી ચેન હુઆંગ / તાઈપેઈ (TPE)
* રજત (Silver): વાન લિંગ ફેંગ / તાઈપેઈ (TPE)
* કાંસ્ય (Bronze): કોમલ કોહર / ભારત (IND)

કુલ પરિણામ (TOTAL)
* સુવર્ણ (Gold): યી ચેન હુઆંગ / તાઈપેઈ (TPE)
* રજત (Silver): વાન લિંગ ફેંગ / તાઈપેઈ (TPE)
* કાંસ્ય (Bronze): કોમલ કોહર / ભારત (IND)

આગામી દિવસોમાં વિવિધ વજન કેટેગરીમાં એશિયાના અન્ય દેશોના ખેલાડીઓ વચ્ચે પણ રસાકસીભરી સ્પર્ધાઓ જોવા મળશે.

Back to top button
error: Content is protected !!