વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં

ગાંધીનગર જિલ્લા કોર્ટ સંકુલમાં વકીલોની લાંબા સમયની પડતર માંગણીઓ અને વહીવટી નીતિઓ અંગે વિવાદ વકર્યો છે. ગાંધીનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજની વહીવટી કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કરી આક્રમક વલણ અપનાવ્યું છે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આશરે 700થી વધુ વકીલો અદાલતી કામકાજથી દૂર રહ્યા હતા, જેના કારણે કોર્ટ સંકુલના વકીલ મંડળના રૂમ અને ટેબલો સુમસામ જોવા મળ્યા હતા.
આંદોલનને પગલે વકીલો દ્વારા કોર્ટ સંકુલમાં પક્ષકારો (અસીલો)ના પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ વહીવટી ગજગ્રાહ અને હડતાલના કારણે પોતાના કેસોની મુદત અને ન્યાયિક પ્રક્રિયા માટે વહેલી સવારથી દૂર-દૂરથી આવેલા અનેક પક્ષકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ન્યાયિક કામગીરી ખોરવાઈ હતી.
બાર એસોસિએશનના સભ્યો અને સ્થાનિક વકીલોના જણાવ્યા અનુસાર, વર્તમાન ડિસ્ટ્રિક્ટ જજની વહીવટી નીતિઓ વકીલો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. વકીલોએ આક્ષેપ કર્યો છે કે, અદાલતી કામકાજ દરમિયાન થતી નાની-નાની વહીવટી કે પ્રક્રિયાગત ભૂલો માટે પણ મોટો આર્થિક દંડ ફટકારવામાં આવે છે, જે વકીલોના વ્યાવસાયિક સન્માનને ઠેસ પહોંચાડે છે.
ડિસ્ટ્રિક્ટ જજ અન્ય રાજ્યના હોવાથી તેઓ કોર્ટની દલીલોમાં મુખ્યત્વે હિંદી ભાષાનો આગ્રહ રાખે છે. સ્થાનિક સ્તરે વર્ષોથી ગુજરાતી ભાષામાં કાયદાકીય પ્રેક્ટિસ કરતા વકીલો માટે જટિલ કાયદાકીય પાસાઓની દલીલ હિંદીમાં રજૂ કરવી વ્યાવસાયિક રીતે અઘરી બની રહી છે. આ વહીવટી પ્રશ્નોથી કંટાળીને બાર એસોસિએશને સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવાની માંગ કરી છે.
વિરોધનું અન્ય એક મુખ્ય કારણ કોર્ટની નવી બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થાની અછત હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગરમાં અંદાજે 1500થી 2000 જેટલા વકીલો પ્રેક્ટિસ કરે છે. વકીલોનો દાવો છે કે નવી બિલ્ડિંગમાં તેમની સંખ્યાના પ્રમાણમાં પૂરતી બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી નથી. એસોસિએશનની માંગ છે કે જૂના મંજૂર થયેલા પ્લાન મુજબ જ તમામ વકીલોને ટેબલ અને બેસવા માટેની યોગ્ય જગ્યા ફાળવવામાં આવે.
વકીલોના જણાવ્યા મુજબ, આ પડતર માંગણીઓ અંગે અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વહીવટી સ્તરે કોઈ નક્કર ઉકેલ ન આવતા વકીલોએ સોમવારથી કોર્ટ સંકુલની બહાર ટેન્ટ લગાવીને ધરણાં શરૂ કર્યા છે. આજે વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે પણ વકીલોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાર એસોસિએશને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો કાયમી ઉકેલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે.




